રવિવારે રક્ષાબંધનના દિવસે રાજ્યમાં રસીકરણની પ્રક્રિયા બંધ રહેશે
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન તેમજ આરોગ્ય પ્રધાન નીતિન પટેલે રાજ્યમાં આગામી રવિવારના દિવસે કોરોના રસીકરણ અંગે મહત્વની જાહેરાત કરી છે. આરોગ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે આગામી 22 ઓગષ્ટ અબે રવિવારે રક્ષાબંધનનો તહેવાર હોવાથી ગુજરાતમાં રસીકરણની પ્રક્રિયા બંધ રહેશે. રક્ષાબંધનનો તહેવાર હોવાથી રસીકરણમાં જોડાયેલા આરોગ્ય કર્મચારીઓ આ તહેવાર ઉજવી શકે એ હેતુથી આગામી રવિવાર 22 ઓગષ્ટના દિવસે રાજ્યભરમાં રસીકરણની પ્રક્રિયા બંધ રહેશે. આરોગ્ય વિભાગની બહેનો તહેવાર ઉજવી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.રસીકરણની પ્રક્રિયા બંધ રહેવાથી આરોગ્ય વિભાગમાં કામ કરતી બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધી શક્શે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અગાઉ બુધવારે અને રવિવારે એમ અઠવાડિયામાં બે દિવસ રસીકરણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પણ રાજ્યમાં વેપારીઓ માટે રસીકરણ ફરજિયાત કરવામાં આવ્યું હોવાથી અને કોરોના રસીનો પહેલો ડોઝ લઇ ચુકેલા નાગરીકોને બીજો ડોઝ લેવામાં મુશ્કેલી પડતી હોવાથી રવિવારના દિવસે પર વેપારીઓ અને બીજા ડોઝ માટે નાગરીકોનું રસીકરણ શરૂ રાખવામાં આવ્યું હતું.રાજ્યમાં રસીકરણની જો વાત કરીએ તો 19 ઓગષ્ટના રોજ પાછલા 24 કલાકમાં રાજ્યમાં 3.77 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ હતું. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 52, 391 લોકોને રસી અપાઇ,તો સુરતમાં 47, 240 લોકોનું રસીકરણ કરાયું.આ તરફ વડોદરામાં 19,474 લોકોને રસી અપાઇ.જ્યારે રાજકોટમાં 15,771 લોકોનું રસીકરણ કરાયું…આમ રાજ્યમાં કુલ 4 કરોડ 19 લાખ 93 હજાર લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે.