ગાંધીનગરનાં સ્ટાફ ટ્રેનિંગ કોલેજ ખાતે શહેર જિલ્લા કોંગ્રેસ કારોબારી બેઠક યોજાઈ, મનપાની ચૂંટણી અને કોવિડ ન્યાય યાત્રાની વિસ્તૃત ચર્ચા કરાઈ
ગાંધીનગર સ્ટાફ ટ્રેનિંગ કોલજ ખાતે શહેર જિલ્લા કારોબારી બેઠક પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાનાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જેમાં મહાનગર પાલિકાની યોજાનાર ચૂંટણી તેમજ કોવિડ ન્યાય યાત્રાની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતા તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિની આજરોજ ગાંધીનગરના સ્ટાફ ટ્રેનિંગ કોલેજ ખાતે વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, ધારાસભ્ય સી. જે. ચાવડા, જિલ્લા પ્રમુખ સૂર્યસિંહ ડાભી, શહેર પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલા તેમજ કોંગ્રેસ પ્રવક્તા નીશીત વ્યાસ સહિત કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો તેમજ વિવિધ પાંખ ના નેતા અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા રહ્યા હતા.
આ પ્રસંગે આમંત્રિત મહેમાનોનું સન્માન તેમજ અભિવાદન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, 21મી સદીના સ્વપ્નદ્રષ્ટા ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની આજે જન્મ જ્યંતી છે. જેમણે દેશને નવી દિશા આપી, યુવાનોને 18 વર્ષે મતાધિકાર, લોકોના હાથ માં સતા એવી સંચાર ક્રાંતિની શરૂવાત કરી હતી. જેમને હ્રદય પૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું.
ભાજપની સરકારમાં કોરોના મહામારી દરમિયાન 2 લાખ લોકોના મોત થયા છે. જ્યારે લોકોને મદદની જરૂર હતી ત્યારે સરકારે થાળી વગાડી, તાળી વગાડી અને વેન્ટિલેટર માટે લોકોએ ભીખ મંગાવી પડી હતી. કોરોના બીમારીના કારણે ઓક્સિજનના અભાવે લોકો તરફડીને મોતને ભેટયા છે. ત્યારે લોકોને ન્યાય અપાવવા માટે કોવિડ – 19 ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવશે.
આ યાત્રા દરમિયાન જે લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા તેમના ઘરે જઈ સાંત્વના આપીશું અને તેમને ન્યાય અપાવીશું. લોકોને 4 લાખની સહાય મળે તેવી સરકાર પાસે માંગણી કરીશું. ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હોય તે લોકોને પણ તેમના પૈસા પાછા મળવા જોઈએ. આ સરકારમાં ઇન્જેક્શનના કાળા બજાર થયા છે. જેથી ભ્રષ્ટાચાર અને કાળા બજારની ન્યાયિક તપાસ થાય તે માટે કોંગ્રેસ દ્વારા લડત ચલાવવામાં આવશે.
તાજેતરમાં મંત્રી મનસુખ માંડવિયા દ્વારા પાટીદાર અંગે કરેલી ટિપ્પણીનાં સંદર્ભમાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ઉમેર્યું હતું કે, મનસુખભાઈને 2017 ના દિવસો યાદ હશે. તેઓ પોતાની સરકારની નાકામી છુપાવવા આવા નિવેદનો કરી જાતિવાદ ભડકાવી રહ્યા છે. આવા નિવેદનો કરી જાતિવાદની વાત કરવી એ સમાજ માટે યોગ્ય કહેવાય નહીં.
કારોબારી બેઠકમાં આગામી મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીને લઈને પણ વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારે આજે પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિતે સૌ કોઈએ તેમની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી. ત્યારે આજે રાષ્ટ્રીય જન ક્રાંતિ પાર્ટીના 60 જેટલા કાર્યકરો પણ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઝોન પ્રમુખ રાજેન્દ્ર સિંહ ચાવડા તેમજ વિજય સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.