રાજ્યમાં સરકાર દ્વારા શિક્ષકોની ભરતી ન કરાતાં કૉંગ્રેસે સરકારને પત્ર લખ્યો
રાજ્યમાં શિક્ષકોની ભરતી ન થવાને લઈ કૉંગ્રેસે રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સીએમ રૂપાણીને પત્ર લખીને આક્ષેપ સાથે કેટલીક માગણીઓ કરી છે. અમિત ચાવડાએ માંગ કરી છે કે કેન્દ્ર સરકારે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોના પ્રમાણપત્રની માન્યતા જે 5 વર્ષની છે તે હટાવીને આજીવન કરવામાં આવે. પ્રમાણપત્રની માન્યતા આજીવન કરવાથી ઉમેદવારોનું જીવન અંધકારમય થતું અટકશે.
તેમણે આક્ષેપ કર્યો કે રાજ્ય સરકારે ભરતી ન કરતા આજે અનેક ઉમેદવારોનું શિક્ષક બનવાનું સ્વપ્ન રોળાયું છે. 10 હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. પરંતુ ભરતી ન કરાતા 47 હજારથી વધુ ટેટ પાસે ઉમેદવારો બેરોજગાર છે. શિક્ષકોની અછતના કારણે બાળકોને શિક્ષણ ન મળતું હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. ચાવડાએ લખ્યું છે કે રોજગારીના અભાવે અનેક ઉમેદવારો ડીપ્રેશનનો ભોગ બન્યા છે. ત્યારે કોંગ્રેસના વિવિધ આક્ષેપોને પગલે રાજકારણ ગરમાયું છે. અને, કોંગ્રેસના આક્ષેપો અને કોંગ્રેસની માગ પર સરકાર આ મામલે શું નિર્ણય કરે છે તેના પર નજર રહેશે.