રાષ્ટ્રીય

દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા PM મોદીની આજે મહત્વની બેઠક

દેશમાં ભલે હાલ કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો હોય, પરંતુ કોરોનાની ત્રીજી લહેરનો ખતરો યથાવત છે. જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ( Prime Minister Narendra Modi ) એક મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠક મંગળવાર 24 ઓગસ્ટના બપોરે 3.30 કલાકે મળવાની છે. આ બેઠકમાં કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. તેની સાથેસાથે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ખાળવા માટે કેવા પગલાં લેવામાં આવ્યા છે, તેમજ કેવુ આયોજન કરાયુ છે તેની પણ ચર્ચા કરવામાં આવશે.

આરોગ્ય મંત્રાલય (Ministry of Health) ઉપરાંત કેબિનેટ સચિવ (Cabinet Secretary) અને નીતિ આયોગ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલાવેલી બેઠકમાં ભાગ લેશે. કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા માટે શું પગલા લેવા જોઈએ, હાલ કોરોનાની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

બીજી બાજુ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે (Ministry of Health and Family Welfare) સોમવાર 23મી ઓગસ્ટના રોજ માહિતી આપતા જણાવ્યુ હતુ કે અત્યાર સુધીમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોનાની રસીના 57.05 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં તમામ સ્ત્રોત દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 57,05,07,750 ડોઝ ફાળવી આપવામાં આવ્યા છે.

કોરોના રસીકરણ મહાઅભિયાનનો તબક્કો 21 જૂન 2021થી શરૂ થયો હતો. રસીકરણ અભિયાનના ભાગરૂપે, કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિનામૂલ્યે રસી આપીને સહાય કરી છે. કેન્દ્ર સરકાર દેશભરમાં કોરોના રસીકરણ અભિયાનને વધુ ઝડપી અને વિસ્તૃત થાય તે માટે સતત વિવિધ પ્રયાસો કરી રહી છે.

કોરોનાના નવા કેસની સંખ્યા ઘટી

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 25,072 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન એટલે કે વિતેલા 24 કલાકમાં 389 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 3,24,49,306 થઈ ગઈ છે. તો, કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા 3,33,924 પર આવી ગઈ છે, જે કુલ કેસોના 1.03 ટકા છે. લગભગ 160 દિવસ પછી, કોરોનાના સક્રિય દર્દીઓની સૌથી ઓછી સંખ્યા નોંધાઈ છે.

દેશમાં રિકવરી રેટ 97.63 ટકા 

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં 389 દર્દીઓના મોત બાદ મૃત્યુઆંક વધીને 4,34,756 થયો છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યામાં 19,474 નો ઘટાડો થયો છે. દર્દીઓની રિકવરીનો રાષ્ટ્રીય દર 97.63 ટકા છે. દેશમાં કોવિડ 19 માટે અત્યાર સુધીમાં કુલ 50,75,51,399 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી 12,95,160 નમૂનાઓ માત્ર રવિવારે જ ચકાસવામાં આવ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x