ગાંધીનગર સચિવાલયમાં અચાનક બ્લાસ્ટનો અવાજ પછી આતંકવાદી હુમલો : NSG દ્વારા મોક ડ્રિલ
ગાંધીનગર :
સચિવાલય સ્વર્ણિમ સંકુલ ખાતે બ્લાસ્ટ કર્યા પછી આતંક વાદી હૂમલો થયાંનાં મેસેજ મળતાં જ સચિવાલય તરફ જતા દરેક માર્ગોને તાત્કાલિક અસરથી બંધ કરી દઈ જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ હતી. ત્યારે હુમલાના પગલે ડોગ સ્કવોડ, ફાયર, એમ્બ્યુલન્સ તેમજ સિવિલ તંત્ર પણ દોડતું થઇ ગયું હતું. જોકે, નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) કમાન્ડો દ્વારા મોક ડ્રિલ યોજવામાં આવી હોવાનું જાણી સમગ્ર વહીવટી તંત્રએ રાહતનો દમ લીધો છે. પરંતુ હજી પણ મોડી રાત સુધી મોકડ્રિલની કામગીરી કાર્યરત છે.
ગાંધીનગર સચિવાલય સ્વર્ણિમ સંકુલ ખાતે અચાનક બ્લાસ્ટનો અવાજ સંભળાતા સંકુલમાં હાજર સ્ટાફ ફફડી ઉઠયો હતો ત્યારે સચિવાલયમાં આતંકીવાદી હુમલો થયાની વાત વહેતી થતાં નગરજનો પણ ફફડી ઉઠયા હતા. ત્યારે આતંકવાદી હુમલો થયાના અહેવાલો વહેતા થતાં સચિવાલય વિધાનસભા તરફના માર્ગો તાત્કાલિક અસરથી પોલીસે બંધ કરાવી દીધા હતા.
આશરે સાડા આઠ વાગ્યા દરમિયાન અચાનક ચ રોડ પર પોલીસની ગાડીઓ તેમજ એમ્બ્યુલન્સની દોડાદોડ થવા લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સચિવાલય સંકુલમાં ડોગ સ્કવોડ તેમજ ચેતક કમાન્ડો પણ દોડી આવ્યા હતા. સચિવાલય તરફ જતો તમામ વાહનોને ડાયવર્ટ કરી દેવામાં આવ્યા હતા.
બીજી તરફ આતંક વાદી હુમલાના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું હતું. અને સિવિલના ઉચ્ચ વહીવટી અધિકારીઓ તેમજ તબીબો અને નર્સિંગ સ્ટાફને પણ ખડેપગે તૈનાત ઊભો રહી ગયો હતો. બીજી તરફ ફાયર બ્રિગેડ સચિવાલય સંકુલ આસપાસ આગ ઓલવી રહી હતી અને સ્થાનિક પોલીસ સમગ્ર વિસ્તારમાં સલામતી વ્યવસ્થામાં ગોઠવાઈ ગઈ હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, નેશનલ સિક્યુરિટી ગાર્ડ દ્વારા સચિવાલય સંકુલમાં આતંકી હુમલા સંદર્ભે મોકડ્રિલ યોજવામાં આવી હતી અને આતંકવાદીઓ સામે NSG કમાન્ડો દ્વારા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જે અત્યારે પણ ચાલી રહ્યું છે. કોઇ પણ પ્રકારની આકસ્મિક હૂમલા ને ખાળવા માટે સમગ્ર વહીવટી તંત્ર ને સાબદું રાખવાના હેતુ થી આ મોક ડ્રિલ યોજવામાં આવી રહી છે.
ત્યારે નોંધનીય છે કે હાલમાં ગુજરાતમાં એક પણ રાજકીય નેતાને નેશનલ સિક્યુરિટી ગાર્ડનું સુરક્ષા કવચ ઉપલબ્ધ નથી. ત્યારે અચાનક જ NSG દ્વારા રાજયના પાટનગર ગાંધીનગરમાં મોકડ્રિલ કરવામાં આવતા અનેક તર્ક વિતર્ક પણ પોલીસ તંત્રમાં વહેતા થયા હતા.