અફઘાનિસ્તાનથી ભારત આવેલા 78 લોકોમાંથી 16 કોરોના પોઝિટિવ, તમામને ક્વોરન્ટીન કરાયા
અફઘાનિસ્તાનથી મંગળવારે ભારત આવેલા 78 લોકોમાંથી 16ને કોરોના પોઝિટિવ આવ્યા છે. તમામ 78 લોકોને ક્વોરન્ટીન કરાયા છે. આ તમામ 16 લોકોમાં કોરોનાનાં કોઈ લક્ષણ નથી. 16 લોકોમાં ત્રણ શીખ પણ સામેલ છે, જેઓ કાબુલથી શ્રી ગુરુ ગ્રંથ સાહિબની ત્રણ કોપી માથા પર ઉઠાવીને લાવ્યા હતા.
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી દિલ્હી એરપોર્ટ પર એક કોપીને પોતાના મસ્તક પર રાખીને ચાલ્યા હતા. અત્યારસુધી 626 લોકોને અફઘાનિસ્તાનથી ભારત લવાયા છે, જેમાં 77 અફઘાનિસ્તાની શીખ, 228 ભારતીય છે.
G7 દેશ 31 ઓગસ્ટ પછી પણ રેસ્ક્યૂ-ઓપરેશન ચાલુ રાખશે
વિશ્વની મોટી અર્થવ્યવસ્થાવાળા 7 દેશ (G7)એ સોમવારે તાલિબાનને સ્પષ્ટ કહ્યું છે કે 31 ઓગસ્ટ પછી પણ અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને કાઢવા માટે ઓપરેશન ચાલુ રહેશે. તાલિબાનને બસ એટલું કહેવાનું છે કે તે સુરક્ષિત રસ્તો આપે. આ સમૂહમાં અમેરિકા, બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી અને જાપાન દેશ સામેલ છે.
સમૂહે કહ્યું હતું કે અફઘાનિસ્તાનના લોકોનું જીવન સુરક્ષિત બને એ અમારી જવાબદારી છે. અમારી કોશિશ હશે કે મહિલાઓના અધિકાર સહિત આતંકવાદ અને માનવાધિકાર પ્રત્યે તાલિબાનને જવાબદાર બનાવવામાં આવશે. બીજી તરફ યુરોપીય સંઘે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સમક્ષ એવી માગ કરી છે કે રેસ્ક્યૂ-ઓપરેશન પૂર્ણ થાય ત્યાં સુધી અમેરિકાની સેના કાબુલ એરપોર્ટ પર તહેનાત રહે.
જો બાઈડન પોતાના વચન પર અડગ
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને G7 સામેલ દેશોને કહ્યું કે 31 ઓગસ્ટ સુધી કોઈપણ સંજોગોમાં અમેરિકાની સેના અફઘાનિસ્તાન નહીં છોડે. તેમણે કહ્યું હતું કે કાબુલ એરપોર્ટનું સંચાલન હાલ અમારી સેના કરી રહી છે, પરંતુ સ્થિતિ એવી છે કે તેઓ પર ગમે ત્યારે મોટો હુમલો થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીએ તો સમયસર અહીંથી નીકળવું જ યોગ્ય છે.
બાઈડનનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે તાલિબાની પ્રવક્તા છેલ્લા બે દિવસથી અમેરિકાને સતત સમયસર દેશ છોડવાની ચેતવણી આપી રહ્યા છે.
તાલિબાનની અફઘાનીઓને અપીલ-દેશ છોડીને ન જાઓ
તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેણે અમેરિકાને ચેતવણી આપી હતી કે કોઈપણ સ્થિતિમાં નાટોની સેના 31 ઓગસ્ટ સુધીમાં અફઘાનિસ્તાન છોડી જતા રહે. અમે નક્કી કરાયેલો સમય વધારવા માંગતા નથી. અમેરિકાને અનુરોઘ છે કે તેઓ અફઘાનિસ્તાનના સારા માણસોને ન લઈને જાય.
ઝબીહુલ્લા મુજાહિદે કહ્યું કે અમેરાકાએ ડોક્ટરો, ઈન્જીનિયરો અને ભણેલા લોકોને પોતાના દેશમાં આવવા માટે પ્રોત્સાહન ન આપવું જોઈએ. એરપોર્ટ પર અફરાતફરીના માહોલને કારણે અફઘાનીસ્તાનના નાગરિકોને એરપોર્ટ જવા દેવામાં આવતા નથી. તાલિબાને અફઘાનિસ્તાનના નાગરિકોને અપીલ કરી છે કે તેઓ દેશ છોડીને ન જાય. મહિલાઓએ પોતાની સુરક્ષા માટે ઘરમાં જ રહેવું જોઈએ.
તાલિબાનના પ્રવક્તાની 5 મોટી વાતો
મહિલાઓને કામ કરતી રોકવામાં નહીં આવે. ઝબીહુલ્લા મુજાહિદે કહ્યું કે તાલિબાન પંજશીર મુદ્દાને શાંતિથી ઉકેલવા માંગે છે. તાલિબાન કોઈના નિશાન નહીં બનાવે અને ઘરે ઘરે તલાશી લેવામાં આવી રહી નથી. તેમણે કહ્યું હતું કે તેઓ નવી વ્યવસ્થા, નવી સરકાર બનાવવા ઈચ્છે છે અને રાષ્ટ્ર નિર્માણ કરવા ઈચ્છે છે. કાબુલમાંથી તમામ બેરિયરો હટાવાશે અને બેન્કોને ખોલવાની જાહેરાત પણ કરી.
અફઘાનિસ્તાનના નાગરિકોને દેશ છોડીને ન જવાની પણ સલાહ આપી. જેઓ દેશ છોડીને ગયા છે તેઓને પરત આવવા કહ્યું. સાથે એમ પણ કહ્યું કે તાલિબાન જૂની વાતોને ભૂલી ગયું છે.
તમામ દેશોને અપીલ કરી છે કે તોઓ પોતાના દુતાવાસને ચાલુ રાખે. તેઓને સુરક્ષા પૂરી પાડવામાં આવશે.