ગાંધીનગરગુજરાત

ધો 6થી 8ના વર્ગો આગામી 2 સપ્ટેમ્બરથી શરૂ થશે : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

શિક્ષણપ્રધાન દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં ધોરણ 6 અને 8ના વર્ગો શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયના શિક્ષણપ્રધાને જાહેરાત કરી છેકે રાજયમાં ધોરણ 6થી 8ના ઓફલાઇન વર્ગો શરૂ કરવા અંગે જાહેરાત કરી છે. ચુડાસમાએ જણાવ્યું છેકે રાજયમાં 2જી સપ્ટેમ્બરથી શાળાના વર્ગો શરૂ કરવામાં આવશે. જેમાં 50 ટકાની સંખ્યા સાથે વર્ગો શરૂ કરવા અંગે મંજૂરી આપી દેવાઇ છે.

આ સાથે ઓનલાઈન પણ શિક્ષણ ચાલુ રહેશે. સરકાર તરફથી સૂચનાઓનો સરકારી અને ખાનગી શાળાઓએ અમલ કરવાનું રહેશે. શિક્ષક સર્વેક્ષણમાં જેટલા શિક્ષકોએ ભાગ લીધો તે બદલ શિક્ષણપ્રધાને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે આ સર્વેક્ષણમાં 38 ટકા શિક્ષકો હાજર રહ્યા હતા.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાતના 6થી 8ના વર્ગમાં ભણતા 32 લાખ જેટલા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ગુરુવારથી શરૂ કરાશે. શાળાઓમાં 50 ટકા કેપેસિટી સાથે વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે. રાજયની 20 હજારથી વધુ શાળાઓમાં આ વર્ગો શરૂ કરવામાં આવશે. હાલમાં ગુજરાતમાં ધોરણ 9થી12નું શૈક્ષણિક કાર્ય ઓફલાઈન ચાલી રહ્યું છે. ત્યારે પ્રાથમિક શાળાના વર્ગો પણ હવેથી રાબેતા મુજબ શરૂ કરવાની કાર્યવાહી આરંભી દેવાઇ છે.

સમગ્ર ગુજરાતમાં 15 જુલાઈથી ધોરણ 12ના વર્ગો ઓલરેડી શરૂ કરી દેવાયા છે અને 26 જુલાઈથી ધોરણ 9થી 11ની ઓફલાઈન સ્કૂલો પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આગામી દિવસોમાં અન્ય ધોરણના વર્ગો પણ શરૂ કરવાના સંકેતો આપ્યાં છે.

શિક્ષણમંત્રીએ કહ્યું કે કોરોનાનું સંક્રમણ હળવું થતાં ધોરણ 9થી 11ના વર્ગો શરૂ થયા છે. ત્યારે હવે આગામી દિવસોમાં બીજા વર્ગો પણ શરૂ થશે. બીજા વર્ગો શરૂ કરવા મુદ્દે કોર કમિટીની બેઠક મળશે, જેમાં વધુ વર્ગો ક્યારે શરૂ કરવા એનો નિર્ણય લેવાશે. જોકે બાળકોએ શાળાએ આવવું ફરજિયાત નથી. બીજી તરફ સ્કૂલોએ ફરજિયાતપણે ઓનલાઇન ક્લાસ ચાલુ રાખવા પડશે, એમ શિક્ષણમંત્રીએ ઉમેર્યું હતું.

કોરોના મહામારીમાં શાળાના વર્ગો ઘણા સમયથી બંધ હતા

નોંધનીય છેકે છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીની પહેલી અને બીજી લહેરને પગલે પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને કોલેજો બંધ થઇ ગઇ હતી, કોરોનાની પહેલી લહેર મંદ પડતા થોડા દિવસ માટે શાળાના વર્ગો શરૂ થયા હતા. પરંતુ, ખુબ જ ટુંકાગાળામાં ફરી આ વર્ગોને બંધ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ, હવે કોરોનાની બીજી લહેર મંદ પડતા ફરી શાળાના વર્ગો શરૂ કરવા અંગે રાજય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

હજુ કોરોનાની ત્રીજી લહેરની છે દહેશત

નોંધનીય છેકે કોરોનાની હજુ ત્રીજી લહેરની આશંકાઓ સેવાઇ રહી છે. ત્યારે શાળાના વર્ગો શરૂ કરવા મામલે સરકારે કેટલીક ગાઇડલાઇન પણ જાહેર કરી છે. જેમાં પચાસ ટકાની સંખ્યા સાથે શાળાના વર્ગો શરૂ કરવામાં આવશે. આ સાથે શાળામાં કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવું પણ અનિવાર્ય છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x