ગુજરાતની પ્રજાની કમાણીમાંથી બનેલા રોડ પર વિદેશી કંપની ટોલ શા માટે ઉધરાવે છે ? : પરેશ ધાનાણી
ગાંધીનગર
9, માર્ચ, 2018
ભાજપનાં કહેવામાં અને કરવામાં જમીન આસમાનનો ફરક હોય છે. પ્રજાને ગુમરાહ કરવા ગમે તે મુદ્દાનો આસરો લઈ પ્રજાની લાગણી સાથે રમત કરી, પોતાનો સ્વાર્થ સાધી લીધા બાદ તે બધી વાતો ભુલી જાય છે. આંકડાઓની માયાજાળ રચી પ્રજાને ભ્રમીત કરે છે અને આંકડા વાસ્તવિક અમલમાં આવતા નથી. વિકાસ કામોનાં નામો બદલીને પોતાનાં નામે ચડાવાય છે. જેને નવી બાબત ગણાય છે. આવા અનેક આક્ષેપો ભાજપ સામે કોંગ્રેસપક્ષ દ્વારા ઉઠાવવામાં આવે છે. પોતાની વાતમાં વજુદ છે. તે પુરવાર કરવા વિધાનસભા વિરોપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ વિધાનસભા ગૃહમાં આંકડાઓ, યોજનાંઓ, પ્રશ્નો અંગે છણાવટ કરીને ગૃહમાં સોપો પાડી દીધો હતો.
શ્રી ધાનાણીએ આજે વિધાનસભા ગૃહમાં સામાન્ય વહીવટ વિભાગ અને માર્ગ મકાન વિભાગની માંગણીઓ ઉપર ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે ગુજરાતમાં વર્ષ ર૦૦૧-૦રમાં રાજ્ય ધોરીમાર્ગ ૧૯૧૬૩ કિ.મી. હતા એ ર૦૧૪-૧પમાં ૧૭૯૪૧ કિ.મી. થયા, એટલે કે ૧રરર કિ.મી.ધટયા. મુખ્ય જીલ્લા માર્ગો ર૦૯પ૩ કિ.મી. હતા એ ર૦૧૪-૧પમાં ર૦૪પ૪ કિ.મી. થયા, એટલે ૪૯૯ કિ.મી. ધટયા. અન્ય જિલ્લા માર્ગો ૧૦૪રર કિ.મી. હતા તે ર૦૧૪-૧પમાં ૧૦રપર કિ.મી. થયા એટલે ૧૭૦ કિ.મી. ધટયા. આમ, ૧૪ વર્ષમાં ૧૮૯૧ કિ.મી. રોડ ગુજરાતમાંથી કોણ તાણી ગયું ? ભાજપનાં મિત્રો વખાણ કરતા કહે છે કે મોસાળે જમણવાર અને મા પીરસનારી, રાજ્યમાં ભાજપનું શાસન કેન્દ્રમાં ભાજપનું શાસન, પરંતુ આ રાજ્યની પ્રજાની કમાણીમાંથી ભૂતકાળની અંદર રાષ્ટ્રીય ધોરીમાર્ગો-રાજ્ય ધોરીમાર્ગનું નેટવર્ક આપણે ઉભું કર્યું હતું તે રસ્તાઓ રાજ્ય ધોરીમાર્ગમાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગોમાં પરિવર્તન કરવા વિતેલા વર્ષોની ભારત સરકારને પાઠવેલી દરખાસ્તો ભારત સરકારે સ્વીકારીને રાષ્ટ્ીય ધોરીમાર્ગમાં પરિવર્તિત કર્યા. પણ એ રસ્તાઓને બી.ઓ.ટી.નાં ધોરણે વિદેશી કંપની ઓસ્ટ્રેલીયન ફંડ કંપનીને ફાળવી ટોલ ઉધાવવા માટે મંજુરી આપી દીધી છે. તે પૈકી માળિયા-દ્વારકા-ઓખા રોડ, ભાવનગર-ધોલેરા-ખંભાત રોડ, નારાયણ સરોવર-લખપત રોડ, રાધનપુર- વડનગર-શામળાજી રોડ, ઈરુ ચાર રસ્તા-તીથલ-ઉમરસંડી રોડ અને અંકલેશ્વર-ઝગડીયા-રાજપીપળા-કેવડીયા કોલોની રોડ ગુજરાતની જનતાની કમાણીમાંથી બન્યા છે, તે રસ્તા ઉપર વિદેશી કંપની ટોલ બુથ નાખીને ગુજરાતીઓના ખિસ્સામાંથી ટોલ શું કામ ઉધરાવે છે ? તેની સ્પષ્ટતા સરકારે કરવી જોઈએ.
શ્રી ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આટલેથી ન અટકતા ઉના-ધારી-બગસરા, અમરેલી-બાબરા-જસદણ-ચોટીલા, નાગેશ્રી-ખાંભા-ચલાલા-અમરેલી, પોરબંદર-ભાણવડ-જામજોધપુર-કાલાવડ, આણંદ-કઠલાલ-કપડવંજ, બાયડ-ધનસુરા-મોડાસા, લખપત-ધડુલી-હાજીપીર-ખાવડા-ધોળાવીરા, મોવાણા-સાંતલપુર, ખંભાળીયા-અડવાણા-પોરબંદર,ચિત્રોડ-રાપર અને ભાણવડ-રાણાવાવ જેવા રોડ જે રાજ્ય ધોરી માર્ગો હતા તેને રાષ્ટ્રીય ધોરી માર્ગમાં પરિવર્તિત કરી બી.ઓ.ટી. ધોરણે ખાનગી કંપનીઓને ખોળે ટોલ ઉધરાવા માટે આ રોડ ભેટ ધરવા માટેની સૈધ્ધાંતિક મંજુરી ભારત રસકારે આપી છે ત્યારે રાજ્ય સરકારે આ અંગે ગુજરાતની જનતાની ઉપર આ ટોલ નામના વેરાનું ભારણ શું કામ વધારવામાં આવે છે. તેની સ્પષ્ટતા કરવી જોઈએ.