SSC નું ૧૦% વિધાર્થીઓ જ પાસ થયા, ૨.૬૮ લાખથી વધુ વિદ્યાર્થી ફરી નાપાસ
ધો.૧૦ના રીપિટર અને ખાનગી વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયુ છે.જે માત્ર ૧૦ ટકા રહ્યુ છે.૨.૬૮ લાખથી વધુ વિદ્યાર્થીઓ ફરી પરીક્ષા આપવા છતાં પણ નાપાસ થયા છે.છોકરીઓનું પરિણામ છોકરાઓ કરતા વધુ રહ્યુ છે.ગત વર્ષની પરીક્ષાની સરખામણીએ આ વર્ષે ૧ ટકા જેટલુ પરિણામ વધ્યુ છે.
કોરોનાને લીધે ધો.૧૦ના ૮ લાખથી વધુ રેગ્યુલર વિદ્યાર્થીઓની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવામા આવ્યુ છે અને રીપિટર અને ખાનગી કેટેગરીના વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા ૧૫ જુલાઈથી ૨૮ જુલાઈ દરમિયાન લેવાઈ હતી.અગાઉ મેમાં રેગ્યુલર સાથે રીપિટર-ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનાર હતી પરંતુ રેગ્યુલર વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા રદ થતા રીપિટર,ખાનગી અને આઈસોલેટેડ કેટેગરીના ઉમેદવારો સહિત ૩.૭૮ લાખથી નોંધાયેલા ઉમેદવારોની પરીક્ષા બોર્ડે અલગથી લીધી હતી.જેમાં રીપિટર અને ખાનગી(એક્સટર્નલ) કેટેગરીના ૩,૨૬,૫૦૫ વિદ્યાર્થીમાંથી ૨,૯૮,૮૧૭ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી અને જેમાંથી માત્ર ૩૦,૦૧૨ વિદ્યાર્થી જ પાસ થતા એકંદરે માત્ર ૧૦.૦૪ ટકા પરિણામ રહ્યુ છે.જ્યારે આઈસોલેટેડ(પૃથ્થક) ૫૨૦૨૬ ઉમેદવારમાંથી ૪૬૧૬૬ ઉમેદવારે પરીક્ષા આપી હતી.આઈસોલેટેડ કેટેગરીમાં વિદ્યાર્થી નથી હોતા,અગાઉ જેઓએ બોર્ડ પરીક્ષા પાસ કરી લીધી હોઈ અને નોકરી કે અન્ય કોઈ કારણોસર એક વિષયની અલગથી પરીક્ષા આપનારા આ પૃથ્થક ઉમેદવારો હોય છે.જેથી તેઓનું બોર્ડ દ્વારા પરિણામ જાહેર થતુ નથી.
રીપિટર અને ખાનગી કેટેગરીના ૨.૯૮ લાખથી વધુ વિદ્યાર્થીઓમાંથી ૨.૬૮ લાખથી વધુ વિદ્યાર્થી નાપાસ થયા છે.ગત વર્ષે ૨૧૨૩૩૮ રીપિટર વિદ્યાર્થીમાંથી ૧૯૩૧૩ અને એક્સટર્નલ ૧૭૧૭૮ વિદ્યાર્થીમાંથી ૧૦૫૧ વિદ્યાર્થી પાસ થયા હતા.બોર્ડના ઈતિહાસમાં પ્રથમવાર આ વર્ષે ૩ લાખથી વધુ રીપિટર-ખાનગી વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષામાં નોંધાયા હતા.રીપિટર વિદ્યાર્થીઓની આટલી મોટી સંખ્યા છતાં પાસ થનારાની ટકાવારી વધી નથી. પરીક્ષા આપનારા કુલ ૨,૯૮,૮૧૭ વિદ્યાર્થીઓમાં ૯૫૬૯૬ છોકરીઓમાંથી ૧૨૨૦૧ પાસ થતા છોકરીઓનું ૧૨.૭૫ ટકા અને ૨,૦૩,૧૨૧ છોકરાઓમાંથી ૧૭૮૧૧ પાસ થતા છોકરાઓનું ૮.૭૭ ટકા પરિણામ રહ્યુ છે.આમ છોકરીઓનું પરિણામ છોકરાઓ કરતા વધુ રહ્યુ છે.૨૦ ટકા પાસિંગ સ્ટાન્ડર્ડનો લાભ મેળવી દિવ્યાંગ કેટેગરીના ૧૯૧ વિદ્યાર્થીઓ પાસ થયા છે.