રાજ્યમાં સિંચાઈ માટે હાલ પાણી આપવામાં નહિ આવે : CM રૂપાણી
આજે 28 ઓગષ્ટના દિવસે ગુજરાત રાજ્ય અને ગુજરાતી સાહિત્ય જગત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી ઉજવી રહ્યું છે, ત્યારે આ અંગેના રાજ્ય સરકારના કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં સિંચાઈના પાણી અંગે મોટું નિવેદન આપ્યું છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં સિંચાઈ માટે પાણી છોડવા અંગે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે હાલ રાજ્યમાં સિંચાઈ માટે પાણી આપવામાં નહિ આવે. માત્ર પીવાના પાણીની જ વાત કરવામાં આવશે અને પીવાના પાણીનો જ સંગ્રહ કરવામાં આવશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના આ નિવેદનથી રાજ્યના ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે. વરસાદ ખેંછાતા રાજ્યના ખેડૂતો સરકાર પાસે સિંચાઈના પાણીની માગ કરી રહ્યાં હતા.આ અગાઉ ઓગષ્ટે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ આવું નિવેદન આપ્યું હતું. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગોધરા ખાતે ધ્વજવંદન કર્યું હતું. ત્યારબાદ મીડિયા સાથે વાતચીત કરતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાજ્યના ડેમમોની સ્થિતિ અને પીવાના તથા સિંચાઈના પાણી અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ગુજરાતના ડેમમાં ચાલુ વર્ષે 30 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપી શકાય તેમ નથી.નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે આ વર્ષે ખેતી ચોમાસાના પાણી પર જ નિર્ભર રહેશે.સરદાર સરોવર ડેમ સહિત મોટાભાગના ડેમનો જથ્થો પીવાના પાણી માટે રિઝર્વ રખાયો છે. જો હવામાન ખાતાની આગાહી પ્રમાણે અઠવાડિયામાં સારો વરસાદ થાય તો જ ખેતીને બચાવી શકાશે.