ગુજરાતમાં શું છે શીતળા સાતમનું મહત્વ, જાણો પુજા વિધિ અને વ્રત કથા
પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની હારમાળા સર્જાય છે. ભાવિ ભક્તો આ પવિત્ર શ્રાવણ માહિનામાં વિવિધ ધાર્મિક તહેવારો ઉજવીને ધન્યતા અનુભવે છે. જન્માષ્ટમી જેવા મુખ્ય તહેવાર પહેલા જ શીતળા સાતમ આવે છે. આ તહેવાર ખાસ કરીને ગુજરાતમાં અત્યંત ભાવથી મનાવવામાં આવે છે.
લોકમાન્યતાઓ પ્રમાણે આ તહેવારનું મહત્વ પણ અનેરું છે. જેમાં સૌભાગ્યવતિ સ્ત્રીઓ શીતળા માતાનું વ્રત રાખીને ખાસ પુજા-અર્ચના કરે છે.વ્રતની વિધિ: શીતળા સાતમ હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ વદને સાતમના દિવસે આવે છે. આ પાવન દિવસે સૌભાગ્યવતિ સ્ત્રીઓ શીતળા માતાની પૂજા કરે છે. આ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવું જોઈએ અને ઠંડા પાણીથી સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરી ઘીનો દીવો કરી માતા શીતળાની પૂરા ભાવથી પૂજા કરવી જોઇએ. અને વ્રત કથા સાંભળવી અને સંભળાવી જોઈએ અને યથા શક્તિ પ્રમાણે જરૂરિયામંદોને દાન-દક્ષિણા આપવી જોઈએ.
માતા શીતળા સૂપડું-સાવરણી જેવા સાધનો પોતાની પાસે રાખે છે જે સ્વછતા અને સુધડતા પ્રતિક છે. સ્વછતા હોવાથી આપોઆપ રોગોનું પ્રમાણ અટકે છે. જેથી શીતળા સાતમના તહેવાર પાછળ સ્વચ્છતાનો અમૂલ્ય સંદેશ પણ છુપાયેલો છે.
વ્રત કથા (લોક વાયકા):
શીતળા સાતમના આગળના દિવસે એટલે કે રાંધણ ધણ છઠ્ઠના દિવસે દેરાણી અને જેઠાણીએ અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવી હતી અને ચૂલો તેમજ સળગતો રાખીને સૂઈ ગયા હતા.રાત્રે સૂમસામ શાંતિમા શીતળાદેવી ફરવા નીકળ્યા અને દેરાણી રૂપાને ઘેર આવી ચૂલામાં આળોટવા જતાં જ આખા શરીરે દાઝી ગયાં હતા, તેથી શાપ આપ્યો: “જેવી મને બાળી, એવું જ તારું પેટ એટલે તારી સંતતિ બળજો…”
રૂપાએ સવારે ઊઠીને જોયું તો ચૂલો સતત સળગી રહ્યો હતો અને તેનોપ પુત્ર પણ દાઝી ગયેલો હતો અને પથારીમાં મૃત પડયો હતો ! દેરાણી સમજી ગઈ કે જરૂર તેને શીતળા માતાનો શાપ લાગ્યો છે. તે તો મૃત બાળકને લઈ શીતળા માતા પાસે કાલાવાલા કરવા જવા લાગી.
તેવામાં રસ્તામાં નાનકડી વાવ આવી. આ વાવનું પાણી એવું હતું કે તે પાણી પીવાથી જ માણસનું મૃત્યુ થઈ જતું હતું. આ વાવને વાચા થઈ, “બહેન ! તું માઁ શીતળાને પૂછજે કે, મારાં એવાં તે કયા પાપ હશે કે, મારું પાણી પીતાની સાથે જ જીવ મૃત્યુ પામે છે!”
રૂપા તો આગળ ચાલી ત્યાં આગળ એક બળદ માર્ગમાં મળ્યો. તેની ડોકે પથ્થરનો મોટો ડેરો બાંધેલો. ડેરો એવો હતો કે હાલતાં ચાલતાં પગ સાથે અથડાયા કરે અને પગને લોહીલુહાણ કરી નાખે.
બળદને વાચા થઈ, તેણે કહ્યું, “બહેન ! શીતળા માતાને મારા પાપનું નિવારણ પૂછતાં આવજો.”
આગળ ચાલતાં તેને એક ઘેઘૂર વૃક્ષ નીચે એક ડોશીમાઁ માથુ ખંજવાળતાં બોલ્યાં, “બહેન ક્યાં ચાલી? શીતળા માતાને મળવા…?”
“હા, માઁ” એમ કહીને રૂપાએ ડોશીનું માથું જોઈ આપ્યું. ડોશીમાઁએ આશીર્વાદ આપ્યા કે, મારું માથું ઠાર્યું એવું તારું પેટ ઠરજો… અને મૃત્યુ પામેલો તેનો પુત્ર આશીર્વાદ મળતાની સાથે જ સજીવન થયો. માઁ-દીકરો ભેટી પડ્યા. ડોશી માઁએ શીતળા માતાનું રૂપ લઈ દર્શન આપ્યા પછી પેલી વાવ અને બળદના દુઃખ પણ દૂર કર્યા.
હે શીતળા માતા જેવા તમે રૂપાના દીકરાને, વાવ અને બળદને ઠાર્યા એવા સૌને ઠારજો.. જય શીતળા માતા.