શું ભારતે માત્ર આ 4 વર્ષમાં જ વિકાસ જોયો છે? : સોનિયા ગાંધી
9, માર્ચ
નવી દિલ્હી
કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક અંગ્રેજી ચેનલનાં સમારોહમાં હાજરી આપી મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ કે આપણો દેશ શું આ 4 વર્ષોમાં જ વિકાસ જોઇ શક્યો છે? શું તે પહેલા દેશમાં કોઇ વિકાસ થયો નથી. ભાજપ આપણા દેશનાં વિચારો જાણી જોઇને બદલવાનો પ્રયત્ન કરી રહી છે.
વડાપ્રધાન મોદીનાં વિકાસનાં મુદ્દે સોનિયા ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ કે, શું 2014 પહેલા આપણો દેશ બ્લેક હોલ હતો? શું દેશમાં લોકોએ વિકાસ આ 4 વર્ષોમાં જ જોયો છે? તેમણે વધુમાં કહ્યુ કે, આ કહેવુ શું આપણી બુદ્ધીમતાનું અપમાન નથી? તેમણે કહ્યુ કે, સરકારનાં ખોટા નિર્ણયોનું પરિણામ આપણી સામે છે. તાજેતરમાં પોતાના વિશે વિચાર કરવા પર પણ હુમલો કરવામાં આવી રહ્યો છે. મોદી સરકારનાં આવ્યા બાદ અભિવ્યક્તિની આઝાદી પર પણ ખતરો દેખાઇ રહ્યો છે.
સોનિયાએ આવનારી લોકસભા ચુંટણી અંગે કહ્યુ કે, 2019ની લોકસભામાં કોંગ્રેસની વાપસી થશે. દેશમાં જે અચ્છે દિનનાં સપના બતાવવામાં આવી રહ્યા છે તેનો હાલ પણ ઇંડિયા શાઇનિંગ જેવો જ થશે. સોનિયા ગાંધી દ્વારા 2019માં વાપસી કરવાના નિવેદન બાદ અન્ય રાજનૈતીક પાર્ટી પણ આવનારી લોકસભામાં ભાજપનાં કમળને પાડવા કોંગ્રેસને ટેકો આપે તો કોઇ નવાઇ નહી.