ઝવેરચંદ મેઘાણીનું નામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નામ સાથે જોડવા કોંગ્રેસે કરી માગ
આજે 28 ઓગષ્ટના દિવસે ગુજરાત રાજ્ય અને ગુજરાતી સાહિત્ય જગત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી ઉજવી રહ્યું છે. આજના દિવસે મેઘાણીને યાદ કરીને રાજ્યભરમાં કાર્યક્રમો ચાલી રહ્યા છે. તેવા સમયે કોંગ્રેસના નેતા અને સેનેટ સભ્ય નિદત બારોટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નામ સાથે ઝવેરચંદ મેઘાણીનું નામ જોડીને “રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી” નામકરણ કરવાની માંગ કરી છે.
મેઘાણીજીના નામને આભૂષણરૂપ આ યાદગીરી રહેશે : નિદત બારોટ
એજ્યુકેશન ફેકલ્ટીના ડીન તેમજ કોંગ્રેસના નેતા અને સેનેટ સભ્ય ડો.નિદત બારોટે કહ્યું કે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આવેલી યુનિવર્સિટી સાહિત્યકારો,કવિઓના નામથી છે. જેમાં દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટી ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્યજી અને જુનાગઢની યુનિવર્સિટી નરસિંહ મહેતા યુનિવર્સિટીના નામથી જોડાયેલ છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ઝવેરચંદ મેઘાણીજીના નામથી જોડવામાં આવશે તો આ નામને આભુષણરૂપ યાદગીરી રહેશે.
ભૂતકાળમાં આ પ્રકારની માંગ રાજ્ય સરકારે સ્વીકારી નથી : કુલપતિ
આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નિતીન પેથાણીએ કહ્યું હતુ કે ડો.નિદત બારોટે કરેલી માંગ તેમના ધ્યાનમાં નથી. પરંતુ આવા નિર્ણયો સર્વોચ સત્તામંડળ નક્કી કરતું હોય છે. અમારી સત્તાની વાત નથી.સાથે સાથે તેમણે કહ્યું હતુ કે ભૂતકાળમાં આ પ્રકારની માંગ કરવામાં આવી હતી પરંતુ રાજ્ય સરકારે સ્વીકારી નથી.જો કે યુનિવર્સિટી આ અંગે પત્ર લખીને યુનિવર્સિટીનું નામ મેઘાણીજી સાથે જોડવાની વાત સાથે સહમત થશે કે કેમ તે અંગે કોઇ સ્પષ્ટતા કરી ન હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નામકરણ અંગે રાજકારણ શરૂ
કોંગ્રેસના નેતાએ યુનિવર્સિટીના નામ સાથે ઝવેરચંદ મેઘાણીનું નામ જોડવા અંગે કરેલી માગ બાદ આ અંગે રાજકારણ શરૂ થયું છે.ભાજપ પ્રેરિત કુલપતિ ડો.નિતીન પેથાણીએ આ અંગે પોતાની સહમતીને લઇને પ્રત્યક્ષ પ્રત્યુતર આપ્યો ન હતો.જો કે આ અંગે કોંગ્રેસના નેતા ડો.નિદત બારોટે કહ્યું હતુ કે આ પત્રનો ઉદ્દેશ રાજકીય નથી. એક સેનેટ મેમ્બર તરીકે આ પત્ર લખવામાં આવ્યો છે ત્યારે આ અંગે રાજ્ય સરકાર સકારાત્મક નિર્ણય લેશે તો કોંગ્રેસ તેનો કોઇ જશ નહીં લેવામાં આવે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઝવેરચંદ મેઘાણી કેન્દ્ર કાર્યરત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિમાં ગુજરાતી ભવન ખાતે ખાસ કેન્દ્ર કાર્યરત છે, જેમાં ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિઓને કંડારવામાં આવી છે.યુનિવર્સિટી ખાતે 12 હજારથી વધારે હસ્તપત્રો છે,અને આ હસ્તપત્રોને ઉકેલવા માટે વર્ગો ચાલતા હતા. પરંતુ વિધાર્થીઓને ઓછો રસ પડતા તે બંધ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત મેઘાણી કેન્દ્રના ઉપક્રમે ચારણી સાહિત્યનો ખાસ કોર્સ ચલાવવામાં આવતો હતો તેનો અભ્યાસક્રમ ચાલતો હતો, પરંતુ વિધાર્થીઓએ ઓછો રસ દાખવતા તે બંધ કરવાની ફરજ પડી છે અને હવે ચારણી સાહિત્ય એક પેપર પૂરતું સિમીત રાખવામાં આવ્યું છે.