આતંકવાદ સામેની લડાઈ ચાલુ રહેશે, અમારું મિશન સફળ રહ્યું : જો બાઈડેન
અફઘાનિસ્તાનમાંથી સૈનિકોની સંપૂર્ણ વાપસી બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને (United States President Joe Biden) મંગળવારે કહ્યું કે અમારું મિશન સફળ રહ્યું છે. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાન ખાલી કરાવવાની કામગીરીની સફળતા પાછળ અમારી સેનાની નિ:સ્વાર્થ હિંમત હતી. અમેરિકન સૈનિકોએ અન્ય લોકોની સેવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો. તેમણે કહ્યું કે ઈતિહાસમાં કોઈ દેશે આવું નથી કર્યું, માત્ર અમેરિકાએ જ કર્યું છે અને તે ગૌરવની વાત છે.
સૈનિકો પરત ખેંચ્યા બાદ રાષ્ટ્રને આપેલા સંબોધનમાં બાઈડેને કહ્યું કે અમેરિકી સૈનિકોએ અફઘાનિસ્તાનથી 1.25 લાખ લોકોને બહાર કાઢ્યા છે. તેમણે કહ્યું, “જે લોકો અફઘાનિસ્તાન છોડવા માંગતા હતા તેમને બહાર કાઢવામાં મદદ કરવામાં આવી. ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે અમે લોકોને ત્યાંથી બહાર કાઢ્યા.
તાલિબાનોએ કબજો મેળવ્યા બાદ 5,500 અમેરિકન નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા હતા, કેટલાક લોકો હજુ પણ ત્યાં છે. જેઓ આવવા માંગે છે, અમે તેમને પાછા લાવીશું.”
બાઈડેને કહ્યું, “હું આ નિર્ણય (સૈનિકોને બહાર કાઢવા) ની જવાબદારી લઉં છું. હું માનું છું કે તે ‘સાચો, સમજદાર અને શ્રેષ્ઠ નિર્ણય’ છે. અફઘાનિસ્તાનમાં યુદ્ધ હવે સમાપ્ત થયું છે. હું આ યુદ્ધને કેવી રીતે સમાપ્ત કરવું તે મુદ્દાનો સામનો કરનારો ચોથો રાષ્ટ્રપતિ છું. મેં અમેરિકનોને આ યુદ્ધનો અંત લાવવાનું વચન આપ્યું હતું, મેં તે પાળ્યું.”
આતંકવાદ સામેની લડાઈ ચાલુ રહેશે – બાઈડેન
અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે અમે અફઘાનિસ્તાન અને અન્ય દેશોમાં આતંકવાદ સામેની લડાઈ ચાલુ રાખીશું. તેમણે કહ્યું, “હું એ સ્પષ્ટ કરવા માંગુ છું કે જેઓ અમેરિકાને નુકસાન પહોંચાડવા માંગે છે અથવા જેઓ આપણા સાથીઓ સામે આતંકવાદમાં સામેલ છે, તો આવી સ્થિતિમાં અમેરિકા ક્યારેય શાંત નહીં બેસે. અમે ન તો માફ કરીશું અને ન ભૂલીશું. અમે તમને ગમે ત્યાંથી શોધી કાઢશું અને તમારે તેની કિંમત ચૂકવવી જ પડશે.”
તેમણે કહ્યું, “અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકો પાછા ખેંચવાનો નિર્ણય આપણા દેશના નાગરિકો, લશ્કરી સલાહકારો, સર્વિસ ચીફ્સ અને કમાન્ડરોની સર્વસંમતિની ભલામણ પર આધારિત હતો.” અબજો ડોલર ત્યાં ખર્ચવામાં આવી રહ્યા હતા. અમારા 2,461 સૈનિકો શહીદ થયા. અમે ત્યાં 20 વર્ષ સુધી શાંતિ જાળવી રાખી હતી.”
છેલ્લું વિમાન સોમવારે મોડી રાત્રે સૈનિકો સાથે રવાના થયું
અગાઉ સોમવારે, અફઘાનિસ્તાનમાં યુએસ લશ્કરી કામગીરીનો અંત આવ્યો હતો કારણ કે સૈનિકોનું છેલ્લું જૂથ સોમવારે મોડી રાત્રે કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી રવાના થયું હતું. અમેરિકી દળોએ અફઘાનિસ્તાનમાં લશ્કરી હાજરી સંપૂર્ણપણે સમાપ્ત કર્યા બાદ વિજયની ઉજવણી કરવા માટે તાલિબાન લડવૈયાઓએ કાબુલમાં હવામાં ગોળીબાર કર્યો હતો.
અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળોની વાપસી બાદ તાલિબાનોએ કાબુલના આંતરરાષ્ટ્રીય વિમાનમથકનો સંપૂર્ણ કબજો લઈ લીધો છે. અમેરિકી દળોને લઈ જવાનું છેલ્લું વિમાન સોમવારની મધ્યરાત્રિએ અફઘાનિસ્તાનથી રવાના થયું, જે નિર્ધારિત સમયથી એક દિવસ આગળ હતું. આમ 20 વર્ષ સુધી ચાલેલા યુદ્ધનો અંત આવ્યો. આ યુદ્ધમાં લગભગ 2,500 અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા.