IPLમાં ૨૦૨૨થી વધુ બે નવી ટીમ સામેલ કરવાનો નિર્ણય : અમદાવાદની ટીમની એન્ટ્રી લગભગ નિશ્ચિત
ભારતીય ક્રિકેટ બોર્ડે આગામી ૨૦૨૨ની આઇપીએલથી વધુ બે ટીમ જાહેર કરવાની જાહેરાત કરી છે. ભારતીય ક્રિકેટ બોર્ડ એક અંદાજ પ્રમાણે આ બે ટીમના ઉમેરાને લીધે અંદાજે રૃપિયા ૫૦૦૦ કરોડથી વધુ રકમથી તેની તિજોરી ભરી શકશે.
આમ તો છેલ્લા બે વર્ષથી આઇપીએલમાં બે ટીમ ઉમેરવાની વાત ચાલતી હતી જેમાં અમદાવાદની ટીમ નિશ્ચિત બીડમાં સફળતા મેળવશે તેમ મનાતું હતું પણ અમદાવાદની ટીમનું હોમ ગ્રાઉન્ડ મોટેરા સ્ટેડીયમ કે હવે વડાપ્રધાન મોદીના નામ પરથી ઓળખાય છે તે નિર્માણધીન હતું અને તે પછી કોરોનાને લીડે આઈપીએલ જ અસ્તવ્યસ્ત થઇ ગઈ. હજુ ૨૦૨૧ની આઈપીએલ પણ અધુરી છે જે યુએઈમાં આગામી સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં બાકીની મેચો અને ફાઈનલ સાથે પૂરી કરાશે.
હવે તેના પછીની આઇપીએલ ૨૦૨૨માં રમાશે. એવી આશા રખાય છે કે આવતા વર્ષે માર્ચમાં કોરોના આઇપીએલ ઘરઆંગણે યોજવા માટે બાધારુપ નહીં નીવડે અને પ્રેક્ષકો પણ વિશ્વના સૌથી વધુ પ્રેક્ષકો સમાવતા અમદાવાદના સ્ટેડીયમમાં મેચ માણી શકશે.
જે બે ટીમને આઈપીએલમાં ૨૦૨૨થી સામેલ થવું હોય તે માટેની પ્રક્રિયા પારદર્શક રહેશે તેવી ભારતીય ક્રિકેટ બોર્ડે ખાતરી આપી છે અને ટેન્ડર માટેના તેવા નિયમો બનાવ્યા છે. એવું માનવામાં આવે છે કે અમદાવાદ, પૂણે અને લખનૌએ ત્રણ ટીમ માટે તો કંપનીઓમાં મુખ્ય સ્પર્ધા જામશે. અન્ય કોઈ શહેર માટે પણ કંપની આશ્ચર્ય સર્જતા ટેન્ડર ભરી શકે તો પણ નવાઈ નહીં કેમ કે આઈપીએલ ક્રિકેટ વિશ્વની સૌથી હાઈ પ્રોફાઈલ અને પ્રતિષ્ઠિત લીગ બની ચુકી છે
આઇપીએલમાં ભૂતકાળમાં પણ ૧૦ ટીમોની લીગ રમાઈ ચૂકી છે. વર્ષ ૨૦૧૧માં જ્યારે પૂણે વોરિયર્સ અને કોચ ટસ્કર્સને આઇપીએલમાં સામેલ કરવામાં આવી તે વર્ષે ૧૦ ટીમોએ આઇપીએલમાં ભાગ લીધો હતો. હવે જ્યારે આઇપીએલમાં આવતા વર્ષે બે નવી ટીમો જોડાશે, ત્યારે ફરી વખત ૨૦૧૧ના ફોર્મેટને જ અનુસરવામાં આવશે તેમ મનાય છે.
છેલ્લે આઇપીએલમાં આઠથી વધુ ટીમો રમી હોય તેવી ઘટના વર્ષ ૨૦૧૩માં બની હતી. તે સમયે નવ ટીમોએ આઇપીએલમાં ભાગ લીધો હતો. તે સમયે કુલ મળીને ૭૬ મેચોનું આયોજન કરવામં આવ્યું હતુ.