રાજ્ય ધોરણ 6-8ની સ્કૂલ શરૂ, માત્ર 20.65% વિદ્યાર્થીઓ જ શાળામાં આવ્યા
ધોરણ-6થી 8ની 18 માસથી બંધ રહેલી શાળાઓમાં ગુરુવારથી ઓફલાઇન શિક્ષણ શરૂ કરાયું હતું. પહેલા દિવસે જિલ્લાની ધોરણ-6થી 8ના કુલ 79410માંથી 16396 વિદ્યાર્થી હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ સદી ગયું હોય તેમ શાળામાં માત્ર 20.65 ટકા વિદ્યાર્થીઓ આવ્યા હતા જ્યારે 79.35 ટકા વિદ્યાર્થીઓએ ઓનલાઇન શિક્ષણ લીધું હતું.
કોરોનાની બીજી લહેરની મંદ અસરને પગલે રાજ્યના શિક્ષણ વિભાગે નિયત કરેલી એસઓપી સાથે તારીખ 2જી, સપ્ટેમ્બરથી ધોરણ-6થી 8ની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગના નિષ્ણાતો દ્વારા ત્રીજી લહેર બાળકો માટે વધારે ઘાતક બની રહેવાની શક્યતા વ્યક્ત કરી છે ત્યારે શાળાઓ શરૂ કરતાં અનેક વાલીઓ બાળકોને શાળામાં મોકલવા મુદ્દે મુંઝવણ અનુભવી રહ્યા છે. જોકે વાલીની સમંતિની સાથે સાથે માત્ર 50 ટકા જ વિદ્યાર્થીઓને ઓફલાઇન શિક્ષણ આપવાનો નિયમ બનાવ્યો છે.
ઝુંડાલની અનન્ય વિદ્યાલયમાં ધો. 6 થી 9 ના વિધાર્થીઓના ઓફ લાઈન અભ્યાસ શરૂ, ઝુંડાલની અનન્ય વિદ્યાલયમાં ધો. 6 થી 9 ના વિધાર્થીઓના ઓફ લાઈન અભ્યાસ શરૂ કર્યો.
શાળાએ વિદ્યાર્થીઓને માસ્ક આપ્યા
પ્રથમ દિવસે શાળામાં આવતા વિદ્યાર્થીઓમાંથી અમુકની પાસે વાલીનું સમંતિપત્ર હતું. ઉપરાંત વિદ્યાર્થીઓને પ્રવેશની સાથે સાથે માસ્ક આપવામાં આવ્યા હતા. સેનેટાઇઝરથી હાથ સાફ કરાવીને ચોકલેટ આપીને વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હોવાનું જે.એમ.ચૌધરી પ્રાથમિક શાળાના આચાર્ય ઇજુબેન ચૌધરીએ જણાવ્યું છે.
સોમવારથી શાળામાં વિદ્યાર્થીઓ વધશે
ધોરણ-6થી 8ના વિદ્યાર્થીઓ માટે શાળામાં ઓફલાઇન શિક્ષણ આપવાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે જોકે પ્રથમ દિવસે સમગ્ર જિલ્લામાં માત્ર 20.65 ટકા વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી હતી. પરંતુ આગામી તારીખ 6ઠ્ઠી, સોમવારથી વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે તેવો આશાવાદ શાળાઓના આચાર્યોએ વ્યક્ત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે, વિદ્યાર્થીઓને ભણવામાં સરળતા રહેશે.
માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરાયું
શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવતા જ નિયત કરેલી એસઓપીના પાલન સાથે જ વર્ગખંડમાં વિદ્યાર્થીઓને ફરજિયાત માસ્ક સાથે તેમજ નિયત કરેલું અંતર રાખીને બેસાડવામાં આવ્યા હોવાનું શાળાના આચાર્યોએ જણાવ્યું છે.
ધોરણવાર હાજર રહેલા વિદ્યાર્થીઓ
ધોરણ કુલ હાજર
ધોરણ-6 27021 6121
ધોરણ-7 26542 5563
ધોરણ-8 25847 4712