ગાંધીનગર : મેડિકલ કોલેજના બાંધકામમાં આચરેલો ભ્રષ્ટાચાર દેખાયો, બિલ્ડીંગ પરથી ફ્રેમીંગના મોટા ટૂકડા નીચે પડતાં જોખમી બન્યું
ગાંધીનગર :
ગાંધીનગર મેડિકલ કોલેજના ઇમારતનું જ આરોગ્ય જોખમાયું હોય તેમ લાગી રહ્યું છે. ભુતકાળમાં આચરેલો ભ્રષ્ટાચાર હાલ ઉડીને આંખે વળગી રહ્યો છે મેડિકલ કોલેજના બિલ્ડીંગ પરથી ફ્રેમીંગના મોટા ટૂકડા ગમે ત્યારે પડે છે જેના કારણે વિદ્યાર્થીઓ પણ હવે અહીંથી અવર-જવર કરવાનું ટાળી રહ્યા છે.આ વિસ્તાર જોખમી બન્યો હોવા છતા તંત્ર દ્વારા રીપેરીંગ માટે કોઇ તસ્દી લેવામાં આવતી નથી અને તંત્ર જાણે મોટા અકસ્માતની રાહ જોઇ રહ્યું હોય તેમ બેસી રહ્યું છે.
ગાંધીનગર મેડિકલ કોલેજ બિલ્ડીંગની સાથે તેને સંલગ્ન ૬૦૦ બેડની હોસ્પિટલ, બોઇસ-ગર્લ્સ-પીજી હોસ્ટેલ બિલ્ડીંગ બનાવવામાં આવી હતી પરંતુ કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા આ બિલ્ડીંગ એન્જીનીયરીંગના ઉત્તમ નમૂના પુરવાર થઇ રહ્યા છે. હોસ્ટેલ અને હોસ્પિટલમાં પાણી ટપકવાની અને પાણી નહીં આવવાની શરૃઆતથી જ સમસ્યા છે તો મેડિકલ કોલેજનું જે બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે તેમાં પણ ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગી રહ્યો છે. પાંચ માળની આ મેડિકલ કોલેજમાં બહારથી સારો લુક મળે તે માટે ફ્રેમીંગ કરવામાં આવ્યું છે પરંતુ આ ફ્રેમીમાં પણ હલકી ગુણવત્તાથી કામગીરી કરવામાં આવી હોવાને કારણે છેલ્લા ઘણા વખતથી અહીંથી ફ્રેમીંગ તૂટીને ધાડાકાભેર નીચે પડી રહ્યા છે. પાંચમાં માળેથી ફ્રેમીંગના મોટા ટૂકડા ગમે ત્યારે નીચે પડી રહ્યા છે જેના કારણે અહીં અકસ્માત થઇ શકે છે. વિદ્યાર્થીઓ પોતાના ભાવિને ધ્યાનમાં રાખીને આ બાબતે મેડિકલ કોલેજના સત્તાધીશોને કહેતા પણ ડરી રહ્યા છે તો અતિ જોખમી હોવાની સાથે મેડિકલ કોલેજ હાલ ખુબ જ કદરૃપી દેખાઇ રહી છે મેડિકલ કોલેજની ઇમારતનું આરોગ્ય જોખમાયું છે જેના કારણે આ ફ્રેમીંગની નીચે જ પાર્કિંગ હોવા છતા ઘણા ડોક્ટર્સ અહીં પોતાના વાહનો પાર્ક કરતા નથી. તો વિદ્યાર્થીઓ પણ અહીંથી અવર-જવર કરવાનું ટાળે છે.