ગુજરાતમાં CM ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ધરખમ ફેરફારો કરાશે
ગુજરાત(Gujarat)માં ભાજપ દ્વારા નવા સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલના(Bhupendra Patel)નામ પર આખરી મહોર મારી દેવામાં આવી છે. તેમજ ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો પણ કર્યો છે. આ દરમ્યાન સામે આવેલી માહિતી મુજબ સીએમની નિમણૂક થયા બાદ મંત્રી મંડળમાં ધરખમ ફેરફારો કરવામાં આવશે.
તેમજ ડેપ્યુટી સીએમ પદની પોસ્ટ દૂર કરવામાં આવે તેવી શક્યતા છે. જેમાં જયારે પાટીદાર સીએમ હોય ત્યારે નાયબ મુખ્યમંત્રીનું પદ પાટીદારને ના આપી શકાય. તેમજ અનેક મંત્રીઓના પોર્ટફોલિયામાં પણ મોટા ફેરફાર આવવાની શક્યતા છે.
આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ આવશે. અને નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં કોને લેવા અને કોને પડતા મૂકવા તેનો શાહની હાજરીમાં નિર્ણય લેવાશે. જોકે અમિત શાહ નવા મંત્રીમંડળના લિસ્ટ સાથે જ આવશે અને અનઔપચારિક બેઠક બોલાવશે. અને બેઠકમાં ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં નવા મંત્રી મંડળના નામોની મહોર લાગશે.
આ દરમ્યાન ભારતીય જનતા પાર્ટી(BJP)વિધાયક દળના નેતા તરીકે નવ નિયુક્ત થયેલા ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલે(Bhupendra Patel)રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ને મળીને રાજ્યમાં તેમના નેતૃત્વની નવી સરકારની રચના માટેનો દાવો કરતો પત્ર સુપ્રત કર્યો હતો.
આ અવસરે કાર્યકારી મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી(Vijay Rupani),ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, કેન્દ્રીય નિરીક્ષકો ભૂપેન્દ્ર યાદવ, નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ જોશી તેમજ ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ અગ્રણીઓ,સાંસદો અને રાજ્ય સરકારના કાર્યકારી મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, શનિવાર સાંજથી ગુજરાતના સીએમ તરીકે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ નવા નામોની ચર્ચા ચાલી હતી. જોકે આખરે ભાજપ પાર્લમેન્ટરી બોર્ડે ગુજરાતના નવા સીએમ તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલના નામની પસંદગી કરી હતી. જેની જાહેરાત વિધાયક દળની બેઠકમાં કરવામાં આવી હતી.