ભાજપ પ્રમુખ સી આર પાટીલના ઘરે મંત્રીપદ બચાવવા અને મેળવવા ધારાસભ્યોની લાઇન
રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયેલા ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે રાજભવન જઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે રાજ્યમાં તેમના નેતૃત્વની નવી સરકારની રચના માટેનો દાવો કરતો પત્ર સુપરત કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકેની શપથવિધિ આજે બપોરે 2.20 વાગ્યે રાજભવન ખાતે યોજાશે. બીજી તરફ આવતીકાલે મંત્રીમંડળની શપથવિધિ યોજાઈ શકે છે, જેના માટે સવારથી સીઆર પાટીલના ઘરે મંત્રીમંડળની ગોઠવણો શરૂ થઈ ગઈ છે. નોંધનીય છે કે ગઈકાલે નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થયા બાદ સીઆર પાટીલે આજે આગામી બે-ત્રણ દિવસ મંત્રીમંડળની શપથવિધિ થશેની જાહેરાત કરી હતી.
ભૂપેન્દ્ર પટેલે શપથ પહેલાં ભગવાનની પૂજા કરી
ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીપદના શપથ લેવા જતાં પહેલાં ઘરે ભગવાનની પૂજા કરી હતી. પૂજા કર્યા બાદ તેઓ સીધા જ થલતેજ ખાતેના સાંઈ બાબાના મંદિરમાં દર્શન કરીને સુરધારા સર્કલ પાસે નીતિન પટેલના ઘરે તેમના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતાં. હવે તેઓ મેમનગર ખાતેના સ્વામિનારાયણ મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યા છે.
કેમ બન્યા ભૂપેન્દ્ર પટેલ જ નવા સીએમ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સરપ્રાઈઝિંગ એલિમેન્ટ જાળવી રાખતાં ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવ્યા છે. ડિપ્લોમા ઈન સિવિલ એન્જિનિયરિંગ કરનારા ભૂપેન્દ્ર પટેલ કડવા પાટીદાર સમાજના અગ્રણી નેતા છે. એટલું જ નહીં, તેમના પિતા રજનીભાઈ પટેલ અમદાવાદના દરિયાપુર વિસ્તારની કડવાપોળમાં રહેતા હતા. આ કારણથી જ ભૂપેન્દ્રભાઈને ‘કડવાપોળના લાડકવાયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભૂપેન્દ્રભાઈ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના અત્યંત વિશ્વાસુ ગણાય છે અને એટલે જ ઘાટલોડિયા બેઠક આનંદીબેને ખાલી કરી તો તેમણે ભૂપેન્દ્ર પટેલને અહીંથી ટિકિટ અપાવી હતી.
ભૂપેન્દ્ર પટેલના નામથી જ હોલમાં સન્નાટો વ્યાપી ગયો
કમલમ્ પર મળેલી ભાજપના વિધાનસભ્યોના દળની બેઠકમાં સૌના જીવ તાળવે ચોંટેલા હતા કે કોના નામની મુખ્યમંત્રીપદ માટે જાહેરાત થશે. ત્યાં જ અચાનક મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના અનુગામી તરીકે ભૂપેન્દ્ર પટેલની જાહેરાત કરી, ત્યાં જ જાણે આખાય હોલમાં આશ્ચર્ય સાથે સન્નાટો વ્યાપી ગયો. આ નામની જાહેરાત થતાં જ ગુજરાત સરકારના ઘણા મંત્રીઓનાં મોં સાવ પડી ગયાં હતાં. ક્યાંય સુધી આ મંત્રીઓને કળ ન વળી અને તેમણે નાનુંસરખું સ્મિત પણ ન વેર્યું.
માંડમાંડ મંત્રીઓએ ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા આપી
જાહેરાત થયા બાદ પણ ભૂપેન્દ્ર પટેલ સાવ સ્થિતપ્રજ્ઞની માફક પોતાની બેઠક પર બેસી રહ્યા. સિનિયર મંત્રીઓએ તેમને તેમના નામની જાહેરાત થવા બદલ શુભકામના આપવાનું પણ ટાળી દીધું. અમુક મંત્રીઓએ પોતાનો ચહેરો પરાણે હસતો રાખ્યો તો કેટલાકે સ્મિત પણ ન ફરકવા દીધું. માંડ માંડ કેટલાક મંત્રીઓને તેમને શુભેચ્છા આપવા માટે સ્ટેજ પર જવું પડ્યું અને કેટલાક તો એમ કરવામાંથી દૂર રહી પોતાના સ્થાન પર બેસી જ રહ્યા. જાણે કશું બન્યું જ ન હોય એમ આ મંત્રીઓએ હોલમાંથી ચાલતી પકડી.
આનંદીબેન પટેલના જૂથના ધારાસભ્યો પણ ભૂપેન્દ્ર પટેલને મળવા આવતા ખચકાતા હતા
વિધાનસભામાં ભાજપના નેતા એટલે કે નવા મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલથી કેટલાંક સાથી ધારાસભ્યોએ પણ અંતર કરી દીધું હતું. તેમાં આનંદીબેન જૂથના જ કેટલાક ધારાસભ્યોનો સમાવેશ થાય છે. એક સમયે આ નેતાઓ એકબીજાની ગાડીમાં જ ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે આવનજાવન કરતા, સાથે જ બેસીને ટિફિન ખાતા હતા, પરંતુ ક્યાંક કોઇક લક્ષ્મણરેખા ખેંચાઇ ગઇ હોવાનું આ ઘટનાથી સામે આવ્યું હતું. આશ્ચર્યજનક રીતે વિજય રૂપાણીના રાજકોટ અને સૌરાષ્ટ્રના નેતાઓ હરખઘેલા થઈ ભૂપેન્દ્ર પટેલને હાથ મિલાવીને શુભકામનાઓ આપતા હતા.