ગાંધીનગરની રાંધેજા ચોકડી આવેલી સ્વાગત હોટલમાં જુગાર રમતા 26 જુગારીઓ LCBના સકંજામાં, રૂ.1.27 કરોડથી વધુની મત્તા જપ્ત
ગાંધીનગર :
ગાંધીનગરના રાંધેજા ચોકડી પાસે સ્વાગત હોટલમાં મોટાપાયે ચાલતા જુગાર ધામ પર ત્રાટકી લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા સપાટો બોલાવી દઈ 26 જુગારીઓને રંગેહાથ ઝડપી લઈ રૂ. 1 કરોડ 27 લાખ 41 હજાર એકસોનો મુદામાલ જપ્ત કરી ત્રણ મુખ્ય સૂત્રધારોને કાયદાનો પરચો બતાવી દેવામાં આવ્યો છે. આ જુગારીઓએ હોટલના હોલમાં લગ્નની ચોરી સજાવી તેની ચારે દિશામાં કુંડાળું વળી જુગારની બાઝી માંડી હતી. ત્યારે મોટાપાયે જુગારધામ પકડાતા જિલ્લા પોલીસ વડા પણ એલસીબી કચેરી દોડી આવ્યા હતા. જ્યારે તાત્કાલિક અસરથી પેથાપુર પીએસઆઇ રવિરાજસિંહ પરમારને સસ્પેન્ડ કરી દેવાનો પણ હુકમ કર્યો હોવાના અહેવાલો પણ વહેતા થયા છે.
ગાંધીનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા તેમજ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા પ્રોહીબીશન/જુગારની ડ્રાઇવ યોજી ફળદાયી કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી છે. જે અન્વયે લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેકટર એચ.પી. ઝાલાનાં સીધા માર્ગદર્શન હેઠળ સબ ઈન્સ્પેક્ટર વી. કે. રાઠોડ, વાય.વાય. ચૌહાણ સહિતનો કાફલો પેટ્રોલીંગમાં હતો. આ દરમિયાન કોન્સ્ટેબલ જીગ્નેશકુમાર કનુભાઇ તથા દીગ્વીજયસિંહ ફુલુભાન સયુકત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે મહેસાણા જિલ્લાના ઉંઝા ખાતે રહેતો ધર્મેશ રાયચંદભાઇ પટેલ, કમલેશ જીવાભાઇ પટેલ (રહે.વિસનગર જી.મહેસાણા) અને રહીમભાઇ ગફારભાઇ નાગાણી (હાલ રહે.જુહાપુરા અમદાવાદ) ભેગા મળી ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓમા અલગ અલગ હોટલમા કે રહેણાક મકાનોમાં એકબીજાના મેળાપીપણામાં તેમના મળતીયા માણસોને રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી જુગારીઓ બોલાવીને કોઇન તથા પૈસા-પાનાથી ગંજી-પાનાનો પૈસાની હાર જીતનો જુગાર રમી-રમાડે છે અને હાલમા આ પ્રવૃતિ તેઓના મિત્ર હીરેન અનંતભાઇ પટેલ (રહે.રાંધેજા) ની રાંધેજા ચોકડીથી માણસા તરફ જતા રોડની ઉપર આવેલી હોટલના ઉપરના માળે આવેલ હોલમા ચાલી રહી છે. બાતમીના આધારે એલસીબી કાફલો તુરત ઉક્ત સ્થળે ત્રાટક્યો હતો. જ્યાં એક લગ્નની ચોરી સજાવેલ હતી અને તેની આડમાં કુંડાળા વળી પ્લાસ્ટીકના કોઇનથી તથા પૈસા પાનાથી ગંજીપાનાનો જુગાર રમતા 26 જુગારીઓને રંગેહાથ ઝડપી લેવાયા હતા.
આ દરોડાની કાર્યવાહી દરમ્યાન લોકલ ક્રાઇમ બ્રાંચ પીઆઈ એચ.પી. ઝાલાએ ત્રીજું નેત્ર ખોલીને વૈજ્ઞાનિક ઢબે પૂછતાંછ શરૂ કરતાં 26 જુગારીઓ પૈકી રહીમભાઇ ગફારભાઇ નાગાણી તથા ધર્મેશકુમાર રાયચંદભાઇ પટેલ તેઓના અન્ય મિત્ર કમલેશભાઇ જીવાભાઇ પટેલ (રહે મ.ન. 6, આશિષ સોસાયટી, મહેસાણા) ત્રણે જણા ભેગા મળી અમદાવાદ તથા બીજા જિલ્લામાંથી માણસો જુગાર રમવા માટે બોલાવી ગુજરાતમા અલગ અલગ જગ્યાએ ભેગા કરી તેઓ પાસેથી એડવાન્સ પૈસા જમા લઇ તેના બદલામાં તેઓની એક નોટબુકમાં એન્ટ્રી કરી જુગાર રમવાના કોઇન આપતા હતા. અને હોટલનો માલિક હીરેનકુમાર અનંતભાઇ પટેલ જુગાર રમવાની વ્યવસ્થા ગોઠવી હતી. બાદમાં તમામ જુગાર રમવા માટે ભેગા થયા હોવાનું ખુલ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ઉક્ત સ્થળે દરોડો પડતાં જ રાજકીય દબાણ પણ પોલીસ પર આવ્યું હતું પરંતુ એલસીબીએ રાજકીય દબાણની અવગણના કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા જુગારીઓમાં સોપો પડી ગયો હતો. આ અંગે પીઆઈ ઝાલાએ જણાવ્યું હતું કે ઉપરોકત ઇસમો પાસેથી રોકડ રૂ. 2 લાખ 18 હજાર 600, જુદા જુદા કલરના કોઇન કુલ 905, કુલ વાહનો નંગ- 9 કિ.રૂ. 1 કરોડ 21 લાખ મોબાઇલ નંગ-39 કિ. રૂ. 4 લાખ 22 હજાર 500 ગંજી પાના તથા એક હીસાબોના સાહિત્યના કાગળો વગેરે મળી કુલ રૂપિયા 1 કરોડ 27 લાખ 41 હજાર એકસોનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
(1) ધર્મેશ રાયચંદભાઇ પટેલ વિરુદ્ધમાં અમદાવાદ શહેર વેજલપુર પો.સ્ટે. તથા મહેસાણા જિલ્લાના ઉંઝા પોલીસ સ્ટેશનમાં શરીર સબંધી મારામારી, તથા જુગારધારા તેમજ ઠગાઇ/છેતરપીંડી મળી કુલ- 14 ગુનાઓ નોધાયેલા છે.
(2) તુલસીભાઇ અમીરમભાઇ જોષી સામે મહેસાણા જિલ્લાના ઉંઝા પોલીસ સ્ટેશનમાં જુગારધારા મુજબ કુલ- 3 ગુના તથા જાહેરનામાના ભંગ બદલ કુલ-2 ગુનાઓ નોંધાયેલા છે.
(૩) અલ્પેશભાઇ અજમલજી ઠાકોર સામે મહેસાણા જિલ્લાના સાંથલ પો.સ્ટે.માં જુગારધારા મુજબના કલ-2 તથા જાહેનામા ભંગ બદલના કુલ-2 ગુનાઓ નોંધાયેલા છે.
(4) અશ્વીનભાઇ બાબુલાલ શાહ સામે સુરત શહેર રાંદેર પો.સ્ટે.માં જુગારધારા મુજબ કુલ-1 ગુનો નોંધાયેલો છે.
(5) ગોપાલભાઇ પરેશભાઇ માવાણી સામે વડોદરા ગ્રામ્ય જિલ્લાના દેસર પો.સ્ટે.માં જુગારધારા મુજબ કુલ-1 ગુનો નોંધાયેલો છે.
(6) જયદીપસિંહ વિક્રમસિંહ ચાવડા સામે અમદાવાદ શહેર ચાંદખેડા પો.સ્ટે.માં જુગારધારા મુજબ કુલ-2 ગુનાઓ નોંધાયેલા છે.
(7) જયેશકુમાર ચંદુલાલ શાહ સામે વડોદરા ગ્રામ્ય જિલ્લાના વડોદરા તાલુકા પો.સ્ટે.માં જુગારધારા મુજબ કુલ-1 ગનો નોંધાયેલો છે.
(8) સુનીલભાઇ અરવીંદભાઇ મીસ્ત્રી સામે વડોદરા શહેર વાડી પો.સ્ટે.માં જુગારધારા મુજબ કુલ-2 ગુનાઓ નોંધાયેલા છે.
(9) વીમલકુમાર કાંતીલાલ પટેલ સામેમાં મહેસાણા જિલ્લાના ઉંઝા પો.સ્ટે.માં પ્રોહીબીશન એકટ હેઠળ કુલ-2 ગુનાઓ નોંધાયેલા છે.
(10) કમલેશભાઇ જીવાભાઇ પટેલ સામે મહેસાણા જિલ્લાના બાવલુ પો.સ્ટે.માં જુગારધારા મુજબ કુલ-1 ગુનો નોંધાયેલો છે.