અંબાજી મંદિરના ભંડારામાં 90 ટકા ચાંદી નકલી નીકળ્યું, મોટાભાગના આભૂષણો સ્થાનિક દુકાનોમાંથી ખરીદાયેલા
યાત્રાધામ અંબાજીમાં ચાલુ વર્ષે ભાદરવી પૂનમનો મેળો બંધ રખાતા અંબાજી મંદિર ટ્રસ્ટને દાનની રકમમાં મોટી ખોટ પડી છે. દર વર્ષે 7 દિવસના મેળા દરમિયાન 25 થી 30 લાખ શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરે આવતા હોય છે. ચાલુ વર્ષે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ મેળો બંધ રખાયો હતો. પણ બાધા આખડી પુરી કરનારા શ્રદ્ધાળુઓ માટે મંદિર ખુલ્લું રાખવામાં આવ્યું હતુ.
15 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમ 20 સપ્ટેમ્બર સુધી 5 થી 6 લાખ જેટલા જ યાત્રિકો અંબાજી આવ્યા હતા. આજ યાત્રિકો દ્વારા માતાજીના ભંડારમાં છૂટક દાન ભેટ નાખવામાં આવે છે. જોકે અંબાજી મંદિરમાં જેમ લોકો બાધા માનતા પુરી કરે છે. ત્યારે માતાજીને ચાંદીથી બનેલા છત્તર, ત્રિશુલ, નાના ઘર જેવા અનેક આભૂષણો માતાજીને ધરાવી પોતાની માનતા પૂર્ણ કરતા હોય છે. પણ મંદિરમાં મોટી સંખ્યામાં આવેલા આવા ચાંદીના આભૂષણોમાં 90 ટકા જેટલા આભૂષણો ખોટા જોવા મળ્યા છે.
જેને લઈ મંદિર ટ્રસ્ટએ પણ ચિંતા વ્યક્ત કરી છે. ને આવા આભૂષણોમાં છેતરાતા યાત્રિકોને ખરાઈ કરવા અપીલ કરવામાં આવી છે. એક તરફ ચાંદીના ભાવની ખોટા આભૂષણ ખરીદી માતાજીને અર્પણ કરે છે. જેનાથી મંદિરને પણ મોટી ખોટનો સામનો કરવો પડે છે. જેથી યાત્રિકો આવા આભૂષણો કોઈપણ દુકાનથી ન ખરીદી ચોકસાઈવાળી દુકાનેથી ખરીદવા જોઈએ.
જોકે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના સોનાચાંદીના વેલ્યૂઅરના જણાવ્યા મુજબ મંદિરમાં આવી ચાંદીની ખોટી ચીજવસ્તુ મોટી માત્રામાં આવે છે. જે 100 કિલોમાંથી 90 થી 95 કિલો ખોટી હોય છે ને માત્ર 5થી6 કિલોજ સાચી નીકળે છે.ને તેમાં મહત્તમ અંબાજીની પ્રસાદ પૂજાપાની દુકાનથી ખરીદેલા ચાંદીના તમામ દાગીના ખોટા હોય છે. જે યાત્રીકોને આપતી વખતે ચાંદીના ભાવ કરતા પણ વધુ એટલેકે 60 થી 70 હજાર રૂપિયે કિલોના ભાવે આપવામાં આવે છે.
અને આવી ચાંદીની ખોટી ખાખર મંદિરમાં એકત્રિત થઈ જતા તેને હરાજીથી વેચવા જતા માત્ર 60 થી 70 રૂપિયે કિલોજ જાય છે. તે જોતા મંદિર ટ્રસ્ટને લાખો રૂપિયાનું નુકશાન ભોગવવું પડે છે. જેને લઈ જિલ્લા કલેકટર આવી ચાંદીની ખોટી ખાખર વેચાણ કરનારા ઉપર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ. અને આવા ચાંદીની ખોટી ચીજવસ્તુ ઉપર પ્રતિબંધ મુકવો જોઈએ તેવી પણ માંગ કરી હતી.
જોકે અંબાજીમાં પ્રસાદ પૂજાપાની અનેક દુકાનો છે. જે મોટી કમાણીની લાયમાં આવા ખોટી ચાંદી વેચવાનો વેપાર કરે છે. જયારે મંદિર ટ્રસ્ટના શોપિંગ સેન્ટરમાં કેટલીક દુકાનોવાળા આવી ચીજ વસ્તુઓનું વેચાણ કરે છે. પણ તેઓ નકલી વસ્તુ હોવાથી નોમિનલ ચાર્જ લેતા હોવાની વાત કરી રહ્યા છે. અને તે પણ યાત્રીક માંગ કરે તો જ આવી ખાખરનું વેચાણ કરતા હોય છે.
એટલું જ નહી મંદિરમાં લાખો રૂપિયાની પરચુરણ પણ એકત્રિત થઈ જતા બેંકો પણ પરચુરણ સ્વીકારતી. અંબાજી મંદિરમાં હાલ 60 થી 70 લાખ રૂપિયાનો ભરાવો થયો છે. ને હવે મંદિર ટ્રસ્ટે પરચુરણની જરૂરીયાતવાળા લોકોને ઘર બેઠા પહોંચાડવાની પણ વ્યવસ્થા કરી છે.