ગાંધીનગરગુજરાત

ચોમાસું સત્ર વધુ દિવસ માટે બોલાવીને ગુજરાતની પ્રજાને પજવતા પ્રશ્નોની ચર્ચા ગૃહમાં કરો : વિપક્ષ નેતાશ્રી પરેશભાઈ ધાનાણીની માગણી

ગાંધીનગર :
ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ વિધાનસભાનું ચોમાસું સત્ર માત્ર બે દિવસ નહીં પરંતુ વધુ દિવસ માટે બોલાવીને ગુજરાતની પ્રજાને પજવતા પ્રશ્નોની ચર્ચા ગૃહમાં કરાવવાની માગણી કરતો આજે એક પત્ર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખ્યો છે. વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ પત્રમાં જણાવેલ છે કે ગૃહના દિવસો લંબાવીને કોરોના કાળમાં અકારણ શહીદ કોરોના મૃતકોને સામુહિક શ્રદ્ધાંજલિનો ઠરાવ લાવવામાં આવે અને દરેકને રૂ.૪ લાખ નું વળતર ચૂકવવાનું જાહેર કરવામાં આવે. આ ઉપરાંત તૌકતે વાવાઝોડામાં ગીરસોમનાથ, અમરેલી, જુનાગઢ અને ભાવનગર જિલ્લામાં સરકારે જાહેર કરેલ સહાયમાં વિસંગતતા અને વિલંબ, તાજેતરમાં સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ અને જુનાગઢ જિલ્લામાં અતિવૃષ્ટિથી સર્જાયેલી તારાજીથી લોકોના જાનમાલ, પશુધન, ઘરવખરી, ઉભા પાક, ખેતીની જમીનોને થયેલી નુકસાનીનું અછત મેન્યુઅલ-2016ની ગાઈડલાઈન મુજબ યુદ્ધના ધોરણે ટીમ બનાવી સત્વરે વળતર ચૂકવવા, રાજ્યમાં શિક્ષણનું ખાનગીકરણ, ફી માફિયાઓના આતંકમાંથી સામાન્ય, મધ્યમ વર્ગીય પરિવારોને બચાવવા શાળા-કોલેજોમાં છ માસની ફી માફ કરવા, પ્રાથમિક શિક્ષકોને સમાન ધોરણે જૂની પેન્શન યોજના મુજબ પેન્શન ચૂકવવા સહિતના મુદ્દે ચર્ચા કરાવવાની માગણી કરવામાં આવેલ છે.
વિરોધપક્ષના નેતાશ્રી ધાનાણીએ પત્રમાં જણાવેલ કે, આજે રાજ્યની જનતા કારમી મોંઘવારીથી ત્રાહીમામ પોકારી ઉઠેલ છે. સરકારના આશિર્વાદથી છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં ફાલેલા ખાનગી શાળા અને કોલેજોના ફી માફીયા સંચાલકો નોકરી અને ધંધા ગુમાવનારા વાલીઓ પાસેથી ફી ઉઘરાવવા દબાણ કરી રહેલ છે. ત્યારે આવા પરિવારોને રાહત આપવા માટે ફી માફી, કોરોનાના સમયગાળામાં નગરપાલીકા અને મહાનગરપાલીકા, ગ્રામ્ય વિસ્તારોના રહેણાંકના વીજ બિલ સહિતના કરવેરામાંથી માફી અથવા રાહત આપવી જોઈએ. કોવિડથી મૃત્યુ પામેલા પરિવારજનોને ચાર લાખ રૂપિયાનું વળતર, કોવિડના દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં કરાવેલ સારવારનો સંપૂર્ણ ખર્ચ, ફરજ બજાવતા શહીદ થયેલ કોવિડ વોરીયરના વારસદારને સરકારી નોકરી આપવી, ભાજપ સરકારની ગુનાંહીત બેદરકારીને કારણે ગુજરાતમાં અંદાજે ત્રણ લાખ જેટલા લોકોના મૃત્યુ થયા હોવાનો હાવર્ડના સર્વેમાં થયેલ ચોંકાવનાર ખુલાસો થયો છે. કોરોના મહામારીમાં સરકારની ઘોર બેદરકારીની ન્યાયિક તપાસ કરાવીને ગુજરાતની પ્રજા સમક્ષ સાચી હકીકત રજૂ કરવી જોઈએ.
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ-રાંધણગેસના વધતા જતા ભાવને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો કાળઝાળ મોંઘવારીથી પીડાઈ રહી છે. મોંઘીદાટ ફી ભરીને ડીગ્રી લેનાર લાખો વિદ્યાર્થીઓને નોકરી મળતી નથી તેથી દિનપ્રતિદિન બેરોજગારીની સમસ્યા વિકરાળ બનેલ છે. સરકારના દરેક વિભાગોમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર ફેલાયેલ છે. આ ઉપરાંત કોવિડ પ્રોટોકોલના તમામ કેસ પરત ખેંચવા, માસ્‍કના નામે થતી ઉઘાડી લૂંટ બંધ કરવા, ફીક્સ પગાર અને કરાર આધારિત અને આઉટસોર્સીંગની પદ્ધતિથી કર્મચારીઓનું શોષણ બંધ કરવા જેવા મુદ્દાઓની વિધાનસભા ગૃહમાં ચર્ચા કરવાની તાતી જરૂરિયાત છે.
વિરોધપક્ષના નેતાશ્રી ધાનાણીએ જણાવેલ કે, કૃષિ ઉપજના ટેકાના ભાવે ખરીદીનો કાયદો ઘડવા અને ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા રદ કરીને ગુજરાતના ૩૬ લાખ કરતાં વધુ નાના અને સીમાંત ખેડૂતોના ખેતીવિષયક દેવા સંપૂર્ણ માફ કરવા, મોટેરા સ્ટેડિયમમાં સરદાર સાહેબના સ્વાભિમાનનું પુનઃસ્થા્પન થાય તે માટે પાટીદાર સમાજનું નેતૃત્વ કરતા નવનિયુક્ત મુખ્યમંત્રી વિધાનસભા સત્રમાં મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું પુનઃ સરદાર પટેલ સ્ટેડિયમ તરીકે નામાભિધાન કરવા, સાબરમતી આશ્રમ આઝાદીના આંદોલનનું એકમાત્ર સંભારણું છે તેની ઓળખ-વારસો અને સંસ્કારોનું જતન થાય તે માટે કોંગ્રેસ પક્ષ તરફથી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવેલ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x