ગાંધીનગરગુજરાત

અમદાવાદીઓ રેસ્ટોરન્ટમાં જમવા જાઓ છો ? તો ચેતી જજો, જાણી લો શુ આવ્યો છે નિયમ !

અમદાવાદ :

અમદાવાદની હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ વેક્સિનેશન સર્ટિફિકેટ ફરજીયાત કરવામાં આવ્યું છે. હોટલમાં આવતા તમામ લોકોએ પોતાનું વેક્સિનેશનનું સર્ટિફિકેટ બતાવવું ફરજિયાત રહેશે. હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા તમામ હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોને આ બાબતે પત્ર લખી જાણ કરવામાં આવી છે. હોટલમાં આવતા ગ્રાહકોએ વેક્સિનનો પ્રથમ અથવા બીજો ડોઝ ન લીધો હોય તો પ્રવેશ આપવાનો રહેશે નહીં.

હોટેલમાં હવે વેક્સિન સર્ટિફિકેટ બતાવવું પડશે

હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે સૌથી પહેલા હોટલના તમામ કર્મચારીઓના વેક્સિનેશન કરાવી લેવા સૂચના આપી દેવાઈ છે. તે ઉપરાંત હોટેલના માલિકો અથવા તો મેનેજરોએ હોટલમાં આવતા 18 વર્ષથી ઉપરના તમામ ગ્રાહકોના વેક્સિનેશન સર્ટિફિકેટની તપાસ કરીને જ પ્રવેશ આપવાનો રહેશે. તેમણે હોટેલોને પત્રમાં એવું પણ કહ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરની સંભાવના છે. આગામી સમયમાં તહેવારો પણ આવી રહ્યાં છે. ત્યારે જો ધ્યાન નહીં રાખીએ તો ફરી લોકડાઉનની સ્થિતિ ઉદ્ભવી શકે છે અને આપણાં ધંધા રોજગાર ફરીથી બંધ થઈ શકે છે.

કોરોનાથી સુરક્ષિત રહેવા માટે સરકારે વેક્સિનેશન શરૂ કરવામા આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવતી તમામ બિલ્ડીંગ અને જગ્યામાં આજે પ્રવેશ માટે વેક્સિન લીધેલી હોવી ફરજિયાત કરી છે. જેને લઇ સોમવારે સવારથી જ શહેરના બગીચાઓ, AMTS અને BRTS બસમાં, AMC મુખ્ય ઓફિસ તેમજ સિવિક સેન્ટર સહિતની જગ્યાઓએ વેક્સિન લીધી હોવા અંગે ચેકિંગ શરૂ કર્યું હતું.

લો ગાર્ડન પાસે જ રહેતા હિતેશભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, હું આજે સિવિક સેન્ટર પર આવ્યો હતો. સરકાર દ્વારા કોરોનાં વેક્સિનના સર્ટિફિકેટ ચેક કરી અને પ્રવેશ આપવામાં આવે જેથી હું આવ્યો ત્યારે મને ગેટ પર જ મારું કોરોનાં વેક્સિનેશનનું સર્ટિફિકેટ ચેક કરવામાં આવ્યું હતું. AMTS અને BRTS બસમાં પણ ફરજિયાત વેક્સિનેશન સર્ટિફિકેટ હોવું જરૂરી હોવાથી AMTS બસમાં કંડકટર ઉપરાંત AMTSનો એક કર્મચારી મુકવામાં આવ્યો છે જે પણ પેસેન્જર બસ સ્ટેન્ડથી બસમાં બેસે એ પહેલાં તેની પાસે સર્ટિફિકેટ છે કે કેમ તે પૂછવામાં આવે છે. બસમાં બેઠેલા તમામ મુસાફરોનું વેક્સિન સર્ટિફિકેટ ચેક કરવામાં આવે છે જો સર્ટિફિકેટ હોય તો જ તેને બસમાં બેસવા દેવામાં આવે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ખાતેની મુખ્ય ઓફિસમાં પણ ગેટ પર જ પ્રવેશ કરતા પહેલા કોરોનાં વેક્સિનેશન સર્ટિફિકેટ ચેક કરવામાં આવતું હતું. શહેરના તમામ બગીચા ઉપરાંત વસ્ત્રાપુર લેક પર આજે વહેલી સવારથી જ કોર્પોરેશનના અધિકારીઓ ગેટ પર ઉભા રહી લેક પર મોર્નિંગ વોક માટે આવેલા લોકોના મોબાઈલમાં વેક્સિનના સર્ટિફિકેટ અંગે ચેકિંગ કરવામાં આવતું હતું. BRTS બસ સ્ટેન્ડ પર પણ અધિકારીઓ ટીકીટ બારી પાસે ઉભા રહી અને ટીકીટ લેનાર પાસે વેક્સિન સર્ટિફિકેટ છે કે નહીં તેની તપાસ કરતા હતા. સવારે પાંચથી છ લોકો પાસે સર્ટિફિકેટ ન હોવાથી લેકમાં અને BRTS બસ સ્ટેન્ડમાં પ્રવેશ મળ્યો ન હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x