નવરાત્રિમાં શેરી ગરબાની ગાઈડલાઈન જાહેર, 8 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદ્દત વધારવા આજે નિર્ણય જાહેર થશે
કોરોનાના કારણે ગત વર્ષે નવરાત્રિની ઉજવણી કરવામાં નહોતી આવી, પરંતુ આ વર્ષે સ્થિતિ થોડી હળવી થતા સોસાયટી અને ફાર્મ હાઉસમાં શેરી ગરબાની ગાઈડલાઈન જાહેર થવાની સાથે સાથે રાત્રિ કર્ફ્યૂમાં ઘટાડો થાય તો સિનેમા ઉદ્યોગ ફરી ધમધમતો થાય અને એ સાથે જ ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને પણ એવી આશા છે કે, તેમને પણ નવરાત્રિ દરમિયાન રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવા માટે 2 કલાકનો વધારાનો સમય આપવામાં આવે તેવી આશા સેવવામાં આવી રહી છે.
નવરાત્રિની ગાઈડલાઈન જાહેર થઈ શકે
આઠ નગરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદ્દત 25મી સપ્ટેમ્બરના શનિવારે પૂર્ણ થાય છે. 7 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થાય છે. આ સ્થિતિમાં ગુજરાતની નવી સરકાર રાત્રિ કર્ફ્યૂમાં ઘટાડા સાથે નવરાત્રિમાં શેરી ગરબાના આયોજનો માટે નવી ગાઈડલાઈન સાથે આજે મહત્વનો નિર્ણય કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ફૂડ ઈન્ડસ્ટ્રીઝ પણ રાહતની આશા રાખી રહ્યું છે.(ફાઈલ તસવીર)
ફૂડ ઈન્ડસ્ટ્રીઝ પણ રાહતની આશા રાખી રહ્યું છે.(ફાઈલ તસવીર)
અગાઉ 400ને મંજૂરી અપાયેલી
ગુજરાતમાં અગાઉ સરકારે 400 લોકોની હાજરીમાં ડી.જે.ઓરકેસ્ટ્રા સાથે ઉત્સવોની ઉજવણી માટે ગૃહ વિભાગે ગાઈડલાઈન જાહેર કરી છે. બીજી તરફ 4.93 કરોડથી વધુ નાગરિકોને 1.76 કરોડથી વધુ કોરોનાની રસીના બંન્ને ડોઝ આપી દેવામાં આવ્યાં છે. જ્યારે 4.07 કરોડ લોકોને એક ડોઝ મળ્યો છે. બે મહિનાથી કોવિડના દૈનિક રીતે 20 જેટલા જ કેસ આવી રહ્યાં છે. તેવા સંજોગોમાં રાત્રિ કર્ફ્યૂમાં પણ ઘટાડો થાય તેવી શક્યતા છે. જેથી સિનેમા ઉદ્યોગને પણ રાહત મળી શકે છે.સાથે જ પુનઃ સિનેમા રાત્રે પણ ધમધમે તેવી આશા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો સેવી રહ્યાં છે.
ખેલૈયાઓ પણ નવરાત્રિમાં છૂટ અપાય તેવી આશા સેવી રહ્યાં છે.(ફાઈલ તસવીર)
ખેલૈયાઓ પણ નવરાત્રિમાં છૂટ અપાય તેવી આશા સેવી રહ્યાં છે.(ફાઈલ તસવીર)
નવરાત્રિમાં ફાર્મ હાઉસના ઓર્ડર મળ્યા છે
હોમ શેફ મ્રિદુ પરીખે જણાવ્યું હતું કે, આ વર્ષે નવરાત્રિમાં પ્રાઈવેટ ફાર્મ હાઉસમાં ગરબામાંથી ફૂડ પેકેટ માટેના ઓર્ડર આવ્યા. જેમાં પિત્ઝા રોલ, સ્ટફ બન, છોલે કુલચે તેમજ લઝાનિયા માટે ઓર્ડર આવ્યા છે. આ સાથે ફરાળ ડિશના પણ ઓર્ડર છે. સાથે જ મદનસિંગ ચૌહાણે જણાવ્યું હતું કે, જો સરકાર સોસાયટીમાં ગરબા રમવાની પરવાનગી આપે છે તો તેમણે ફૂડ ઇન્ડસ્ટ્રીને પણ 1 વાગ્યા સુધીની પરમિશન આપવી જોઈએ. અમે પણ વેક્સિન લીધી હોય એવા ગેસ્ટને જ એન્ટ્રી આપીએ છીએ.