ગાંધીનગર બન્યું વ્યાજખોર નગર, 3.5 લાખની સામે 15 લાખ ચૂકવ્યાં, છતાંય વ્યાજખોરોએ વધુ 18 લાખનો હિસાબ કાઢી પઠાણી ઉઘરાણી કરી
ગાંધીનગરના એક યુવાને સાડા ત્રણ લાખની સામે 15 લાખ રૂપિયા ચૂકવ્યાં હોવા છતા વ્યાજખોરોએ વધુ 18 લાખનો હિસાબ કાઢી પઠાણી ઉઘરાણી શરૂ કરતા યુવાને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. ભાટ ગામે રહેતા બે ભાઈઓએ યુવાન પાસે બે વર્ષ અગાઉ સાડા ત્રણ લાખ રૂપિયા 5 ટકા વ્યાજે ચૂકવ્યાં પછી અત્યાર સુધીમાં 15 લાખ વસૂલી લીધા હોવા છતાં પણ આ બે ભાઈઓએ વધુ રૂ. 18 લાખનો હિસાબ કાઢીને પઠાણી ઉઘરાણી કરવામાં આવતાં વ્યાજખોરોની ચુંગાલમાંથી બહાર લાવવા માટે યુવાને અડાલજ પોલીસનું શરણ લીધું છે.
વ્યાજખોર બે ભાઈઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યોવૈશ્વિક કોરોનાની મહામારીના કારણે કામ ધંધા ઠપ્પ થઈ જવાના કારણે અનેક લોકો વ્યાજે રૂપિયા લેવા માટે મજબૂર બની ગયા છે. ત્યારે વ્યાજખોરો દ્વારા લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી વ્યાજની રકમની સામે 10 ગણા રૂપિયા વસૂલી લેવામાં આવતા હોવાની વ્યાપક બુમરાણ ઉઠી છે. આવું જ કાંઈ ગાંધીનગરના ભાટ ગામના 33 વર્ષીય યુવાન સાથે બનતા અડાલજ પોલીસ મથકમાં વ્યાજખોર બે ભાઈઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
યુવાને 5 ટકા લેખે રૂ. 3.50 લાખ વ્યાજે લીધા હતાપોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ, ગાંધીનગરના ભાટ ગામે રામ વાળા હાઉસિંગ સોસાયટીમાં પરિવાર સાથે રહેતાં અરવિંદભાઈ હરગોવનભાઈ ઓડ માટીકામનો ધંધો કરે છે. કોરોના મહામારીના પગલે રૂપિયાની જરૂર પડતાં અરવિંદભાઈએ ભાટ ગામે મુરલીધર સોસાયટીમાં રહેતા રાકેશ કાંતિલાલ ભરવાડ અને તેના ભાઈ ભરત પાસેથી 5 ટકા લેખે રૂ. 3.50 લાખ વ્યાજે લીધા હતા.
આ વ્યાજની રૂપિયાની સામે બંને વ્યાજ ખોરોએ અરવિંદભાઈ પાસેથી કોરા ચેકોમાં સહીઓ કરાવી 20 ચેક પોતાની પાસે રાખી લીધા હતા. ત્યારે અરવિંદભાઈએ ટુકડે ટુકડે કરીને સાડા ત્રણ લાખની સામે રૂ. 15 લાખ ચૂકવી પણ દીધા હતા. તેમ છતાં વ્યાજખોર ભાઈઓએ વધુ રૂ. 18 લાખનો હિસાબ કાઢી તેની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી.
ઘરે આવીને રૂપિયા માટે ધાક ધમકી આપીગત. તારીખ 23 સપ્ટેમ્બરના રોજ અરવિંદભાઈ કોઈ કામે ગાંધીનગર આવ્યાં હતાં, ત્યારે રાત્રીના પોણા આઠ વાગ્યાનાં અરસામાં તેમની પત્નીએ ફોન કરીને જણાવ્યું હતું કે રાકેશ અને ભરત ભરવાડ ઘરે આવીને રૂપિયા માટે ધાક ધમકી આપીને ગયા છે.
આ પહેલાં તેમણે અરવિંદ ભાઈને પણ ફોન કર્યો હતો. પરંતુ તેઓ મળી શક્યાં ન હોઇ વ્યાજખોર બે ભાઈઓ તેમના ઘરે જઈ વીણાબેનને મારી નાખવાની ધમકીઓ આપી રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવા લાગ્યાં હતાં. આખરે વ્યાજ ખોરનાં ચક્કરમાં ફસાયેલા અરવિંદભાઈએ બન્ને ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ આપતાં અડાલજ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.