મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આપી સૂચના, 7 દિવસમાં તમામ 70 RTSના કેસોના નિકાલ કરો
ગાંધીનગર :
રાજ્યમાં નવી સરકાર અસ્થિત્વમાં આવતાની સાથે જ મંત્રીઓ દ્વારા વિવિધ વિભાગોમાં અરજીઓની સ્થિતિની સમીક્ષા શરૂ કરવામાં આવી છે. જેમાં આજે રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આજે રવિવારના દિવસે પણ વડોદરા જીલ્લા કલેકટર કચેરીને ચાલુ રાખવાના હુકમ કર્યો હતો. જે બાદ આજે તેઓએ જીલ્લા કલેકટર કચેરી અને પ્રાંત ઓફિસની મુલાકાત લઈને પડતર કેસો અંગે માહિતી મેળવી હતી.
મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ SDM કચેરીમાં RTSના કેટલા ઓર્ડર પેન્ડિંગ છે તે અંગે પૃચ્છા કરી હતી. જવાબમાં કુલ 70 જેટલા ઓર્ડર હાલ પેન્ડિંગ હોવાનું જાણવા મળ્યું હતું. મંત્રીએ આ તમામ RTS હુકમોનો બે દિવસમાં નિકાલ કરવાનો હુકમ કર્યો હતો જોકે અધિકારીઓએ 7 દિવસનો સમય માંગતા તેઓની માંગણી ગ્રાહ્ય રાખી હતી અને સાત દિવસમાં તમામ 70 RTSના કેસોના નિકાલ કરવાની સૂચના આપી હતી.
મહેસુલ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યની કોઈપણ કચેરીમાં આજ રીતે ઓચિંતી મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. એટલું જ નહીં મહેસુલ વિભાગના અન્ય પ્રશ્નોમાં પણ ત્વરિત નિકાલ આવે તેવા પ્રયત્નો કરવામાં આવશે.