ગાંધીનગર મનપાની ચૂંટણીમાં આજે 54 ટકા મતદાન, ઓછા મતદાનથી રાજકીય પક્ષોમાં ચિંતા વધી
ગાંધીનગર :
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં 6 વાગ્યા સુધીમાં 54 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધારે મતદાન વોર્ડ-7 કોલવડા-વાવોલમાં 67 ટકા થયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન વોર્ડ-5 પંચદેવમાં 37 ટકા નોંધાયું છે. 60 ટકા કરતા ઓછું મતદાન થવાથી ત્રણેય રાજકીય પક્ષો ચિંતામાં આવી ગયા છે. ભાજપ માટે આ ચૂંટણી એક ટેસ્ટ સમાન માનવામાં આવે છે. જ્યારે કોંગ્રેસ માટે પુનઃ બેઠું થવાની તો આપ માટે પાટનગરમાં પોતાની જગ્યા બનાવવાનો આ સંગ્રામ છે. જોકે ઓછા મતદાને રાજકીય પક્ષોને વિચારતા કરી મુક્યા છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં અનેક સ્થળે બબાલ થવાની ઘટનાઓ બની છે. કુડાસણમાં ભાજપ-આપ વચ્ચે માથાકૂટ થતા ખુરશી ઉછળી હોવાના અહેવાલ છે. વોર્ડ 10 હેઠળ આવતા સેક્ટર 6માં કાળી કારમાં આવેલા ઈસમો દ્વારા આપનાં કાર્યકરોને માર મરાયો હતો. બૂથ તોડીને હુમલાખોરો જતા રહ્યાનો આપે આક્ષેપ કર્યો છે. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં મતદાતાઓમાં નિરસતા જોવા મળી છે.
મનપાની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન વોર્ડ-7માં 66.94 ટકા જ્યારે સૌથી ઓછુ મતદાન વોર્ડ-5માં 41.73 ટકા નોંધાયું છે. આજે 11 વોર્ડ માં 44 બેઠકો માટે 161 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. જેમાં 44 ભાજપ, 44 કોંગ્રેસ, 40 આમ આદમી પાર્ટી, 14 બહુજન સમાજ વાદી પાર્ટી, 2 નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, 6 અન્ય પક્ષના તેમજ 11 અપક્ષ પાર્ટીના ઉમેદવારોએ હરીફાઈમાં ઝંપલાવ્યું છે.
મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમને પાંચ સ્ટ્રોંગરૂમમાં મૂકવામાં આવેલ છે. સે-15ની સરકારી સાયન્સ કોલેજ, સે-15 આઈટીઆઈ, સે-15 સરકારી કોમર્સ કોલેજ, સે-15 સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને સે-15ની સરકારી આર્ટ્સ કોલેજમાં ઈવીએમ સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે. મતગણતરીની પ્રક્રિયા સે-15 સરકારી સાયન્સ કોલેજ, આઈટીઆઈ, સરકારી કોમર્સ કોલેજ, સ્વર્ણિમ સ્પોર્ટસ યુનિ અને સરકારી આર્ટસ કોલેજમાં કુલ 53 ટેબલ પર હાથ ધરાશે.