ગાંધીનગર જિલ્લા પોલીસમાં અંદરોઅંદર જ લાફાલાફીની ઘટના, મહિલા કોન્સ્ટેબલ સાથે થઈ લાફાલાફી…
ગાંધીનગર :
ગાંધીનગર પોલીસ તંત્રમાં હમણાં હમણાંથી ભાદરવાના ભીંડાની જેમ ગરમી પકડવાની ઘટનાઓ ઉપરાછાપરી બનવા માંડી છે. તાજેતરમાં માણસા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલના કાન નીચે વાગેલા તમાચાની ગૂંજ આખા જિલ્લાના પોલીસ બેડાને સંભળાઈ હતી. પરંતુ એ પછી પણ આવી જ વધુ બે ઘટનાઓ ગાંધીનગર પોલીસ તંત્રમાં બની જવા પામી છે. જેમાં એક કિસ્સામાં તો સ્ત્રી દાક્ષિણ્યની ઐસીતૈસી કરીને મહિલા કોન્સ્ટેબલને જ લાકો ફટકારી દેવામાં આવ્યો હતો, તો બીજા કિસ્સામાં એક લોકરક્ષકે પોતાના સિનિયર હેડ કોન્સ્ટેબલનો ગાલ લાલ કરી દીધો હતો. અંદરોઅંદર જ બાખડી રહેલા આ પોલીસ કર્મચારીઓ જનતાની શું ખાક રક્ષા કરવાના ? એવો સવાલ નાગરિકો પૂછી રહ્યા છે. ખાખી વર્દીની આંતરિક ગુંડાગીરી હવે હદ વટાવવા માંડી છે અને એસપીનું નેતૃત્વ સરેઆમ નિષ્ફળ નિવડયુ હોય તેવું ચિત્ર સમગ્ર જિલ્લામાં ઉપસી રહ્યું છે.
માણસા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ વચ્ચે માથાકૂટ થતા સામસામે અભદ્ર ભાષા પણ વાપરવામાં આવી હતી. એ પછી કોન્સ્ટેબલે પિત્તો ગુમાવીને હેડ કોન્સ્ટેબલના કાન નીચે એક સણસણતી ઝીંકી દીધી હતી. એટલું જ નહીં, પોતાના માણસોને બોલાવીને ધમકી પણ આપી હતી કે પોલીસ સ્ટેશનની બહાર નીકળ એટલે તને બતાવી દઉં. આ ઘટના આખા જિલ્લામાં ખાસ્સી ચર્ચાસ્પદ બની હતી. પરંતુ એસપી મયુર ચાવડાએ આ મામલે પોતે અજાણ હોવાનું કહ્યું હતું. આ ઘટના એક કારના મામલામાં બની હોવાનું કહેવામાં આવે છે. કોન્સ્ટેબલ પોતાના એક અંગત મિત્રની કાર લઈને જતો હતો ત્યારે હેડ કોન્સ્ટેબલે તેને આ બાબતમાં પૂછતાં અને પોતાનું અંગત પ્રકરણ જાહેર થઇ જવામાં હેડ કોન્સ્ટેબલ જ જવાબદાર હોવાનું કોન્સ્ટેબલે માનતા આ ઘટના બની હોવાની ચર્ચા ચાલી છે આ મામલે એન.સી. પણ દાખલ કરવામાં આવી હતી.
માણસા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલના કાન નીચે વાગેલા તમાચાની ગૂંજ હજૂ શમી નથી, ત્યાં ગાંધીનગર શહેર પોલીસ મથકમાં પણ આવી જ એક ઘટના તાજેતરમાં બની ગઈ. અહીંયા પણ માણસા પોલીસ મથકની જેમ જ લાફાવાળી થઇ હતી. પરંતુ ફરક એટલો હતો કે, આ કિસ્સામાં લાફો મારનારી વ્યક્તિ જમાદાર હતી અને સણસણતો તમાચો જેને પડી ગયો, તે એક મહિલા કોન્સ્ટેબલ હતી. જમાદાર અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે પહેલા ધીમા સુરે વાર્તાલાપ થઇ રહ્યો હતો, જે ધીમે ધીમે ઉગ્ર બનતો ચાલ્યો અને પછી એકાએક જ જમાદારે ગરમી પકડી લીધી અને મહિલા કોન્સ્ટેબલને એક તમાચો ઝીંકી દીધો હતો. સટ્ટાક અવાજ સાથે આ તમાચાની ગૂંજે પણ ગાંધીનગર શહેરના એ પોલીસ સ્ટેશનને ઘડીભર સ્તબ્ધ બનાવી દીધું હતું. આ ઘટના પણ અત્યારે આખા ગાંધીનગર જિલ્લા પોલીસ તંત્રમાં ચર્ચાના ચકડોળે ચઢી છે.
પોલીસ તંત્રમાં જ લાફાવાળી થવાની ત્રીજી ઘટના સેક્ટર 21માં બની ગઇ. અહીંયા એલસીબી – 1માં ફરજ બજાવતા એક લોકરક્ષકે પોતાના સિનિયર હેડ કોન્સ્ટેબલને કડાકો ઝીંકી દીધો હતો. સેક્ટર 21માં બંદોબસ્ત દરમિયાન ડેટાની આપ-લે કરવા જેવી નજીવી બાબતમાં આ ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એવું કહેવાય રહ્યું છે કે, આ કિસ્સામાં કોન્સ્ટેબલે ધમકી આપી હતી કે, ‘મારી પાસે લાયસન્સવાળી રિવોલ્વરથી છે, ગોળી મારી ઇશ.’ લોકરક્ષક પાસે રિવોલ્વર નહોતી એટલે એણે યથાશક્તિ હેડ કોન્સ્ટેબલને તરત જ તમાચો ઝીંકી દીધો. આ સમયે પણ ઘટના સ્થળે ભારે ગરમાગરમી થઈ ગઈ હતી. જોકે અન્ય એક લોકરક્ષકે વચ્ચે પડીને બંનેને ઝગડતા અટકાવ્યા હતા.