નવરાત્રિના મોટા મહોત્સવને મંજૂરી નહીં પરંતુ કચ્છ રણોત્સવને મંજૂરી અપાઈ
ગાંધીનગર :
કોરોનાને કારણે સરકારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિના મોટા મહોત્સવ યોજવાની મંજૂરી આપી નથી. સોસાયટીઓમાં માત્ર શેરી ગરબા કરવાની જ મંજૂરી આપી છે. બીજી બાજુ દર વર્ષે કચ્છના ધોરડો ખાતે રણમાં યોજાતો રણોત્સવનો કાર્યક્રમ યોજવાની મંજૂરી આપી દીધી છે. ૧ નવેમ્બરથી ૨૦ ફેબ્રુઆરી દરમિયાન કચ્છના રણમાં રણોત્સવ યોજાશે. સરકારે રણોત્સવ માટે ખાનગી એજન્સીને જમીન આપેલી છે. ભૂતકાળમાં સરકારે અહીં રોડ-રસ્તા સહિતનું ઈન્ફ્રાસ્ટ્રકચર બનાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. ઉપરાંત તેના મેઈન્ટેનન્સ પાછળ અને રણોત્સવની સમગ્ર દેશમાં જાહેરાત પાછળ પણ કરોડોનો ખર્ચ કરે છે. કચ્છના રણોત્સવ માટે સરકારે તાજેતરમાં ટેન્ડર પણ બહાર પાડી દીધું છે. જેમાં ટેન્ટ સિવાયનું ઈન્ફ્રાસ્ટ્રકચર, થીમબેઝ્ડ સ્ટેજ, ફૂડ કોર્ટ બનાવાશે. જાહેર સ્ટેજ પર રોજ સાંસ્કૃતિક કાર્યક્રમો થશે. કલ્ચરલ એક્ટિવિટી કરાશે. ભુજથી ૮૦ કિ.મી. દૂર ધોરડોમાં વિવિધ કાર્યક્રમોની અંદર નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહેશે. સરકારના આવા બેવડાં ધોરણો સામે બાબુઓએ પણ મૌન સેવી લીધું છે.