ગાંધીનગરની ફાઈવ સ્ટાર હોટલ ‘લીલા’માં રિસેપ્શનિસ્ટ તરીકે ફરજ બજાવતા દેવાંશ ભાટિયાની હત્યા
ગાંધીનગરની ફાઈવ સ્ટાર હોટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે ફરજ બજાવતા યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી છે. સેકટર-27ના બગીચા પાસે રાત્રિના સમયે તિક્ષણ હથિયારના ઘા મારી યુવકની હત્યા નિપજાવાઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે અજાણ્યા હત્યારાઓનું પગેરું શોધવા તપાસ શરૂ કરી છે.
‘લીલા’ હોટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે ફરજ બજાવતો
મૂળ બરોડા બી/702,દર્શનમ એપાર્ટમેન્ટ, વાસણા ભટાલીનો રહેવાસી 25 વર્ષીય દેવાંશ પ્રાણનાથ ભાટિયા નામનો યુવાન જુલાઈ મહિનાથી ગાંધીનગરની ફાઈવસ્ટાર હોટલ ‘લીલા’માં નોકરી કરતો હતો. અને હોટલમાં રિસેપ્શન કાઉન્ટર પર ફરજ બજાવતો હતો. દેવાંશ સેકટર-27માં આવેલા એક મકાનમાં ભાડે રહેતો હતો.
સેકટર–27ના બગીચા પાસેથી લાશ મળી
દેવાંશને ગઈકાલે નોકરી પર રજા હોવાથી તે ઘર પર જ હતો. આજે વહેલી સવારે સેકટર-27 બગીચાના કોર્નર પાસે આવેલી ચાની કીટલી નજીક દેવાંશની લોહીથી લથપથ લાશ પડી હતી. લાશ અંગે કીટલીવાળાએ પોલીસને જાણ કરતા સેકટર-21 પોલીસની ટીમ અને LCB ઘટનાસ્થળે પહોંચી હતી. બનાવની જાણ થતાં સ્થાનિક વસાહતીઓ પણ મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. જીન્સ અને ટી શર્ટ પહેરેલ દેવાંશનાં ડાબી બાજુના જડબાથી સહેજ નીચે ગળાના ભાગે આશરે ત્રણ ઈંચ ઊંડો તીક્ષ્ણ હથિયાર વડે ઘા કરાયો હતો. તેમજ છાતીના ભાગે પણ ઘા કરાયો હતો. જેનાં કારણે તેનું મોઢું પણ ખુલ્લું રહી ગયું હતું. હાલમાં પોલીસે તેના પિતાને ગાંધીનગર આવી જવા સંદેશો પણ પાઠવી દીધો છે.
પ્રાથમીક તપાસમાં પોલીસને જાણવા હતું કે,જુલાઈ મહિનાથી નોકરી કરતા દેવાંશને કોઈ ખાસ મિત્રો પણ ન હતા. આ અંગે સેકટર – 21 પોલીસે હત્યાનો ગુન્હો દાખલ કર્યો છે. ત્યારે લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ એચ પી ઝાલા તેમજ જે એચ સિંધવ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને સીસીટીવી ફૂટેજ તેમજ મૃતકનાં કોલ ડિટેઇલ સહિતના પુરાવા એકત્ર કરવાનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
ગઈકાલે દેવાંશ મોડી રાત સુધી ટિફિન લેવા ગયો ન હતો
ત્યારે સેકટર – 27 શિવમ સોસાયટી ખાતે રહેતા ભરતભાઈ મારૂ ટિફિન સર્વિસ ચલાવે છે. જેમના ત્યાં દેવાંશ રોમી ભાટિયાએ સાંજનું ટિફિન બંધાયું હતું. જે રોજ એક્ટિવા લઈને ટિફિન લેવા જતો હતો. પરંતુ ગઈકાલે તે ટિફિન લેવા ગયો ન હતો. જેથી ભરતભાઇએ સાડા નવ વાગ્યા આસપાસ તેને ફોન કર્યો હતો. પરંતુ દેવાંશે મોડેથી ટિફિન લેવા આવવાની વાત કરી હતી. પરંતુ સાડા અગિયાર સુધી ટિફિન લેવા નહીં આવતાં ભરત ભાઈએ ફરી તેને ફોન કર્યો હતો. પરંતુ આ વખતે તેનો નંબર બંધ આવતો હતો.
આજે સવારે દેવાંશનાં પિતાએ ભરતભાઈને ફોન કરીને કહેલું કે પુત્રને સેકટર – 27 બગીચા પાસે મારામારી થઇ છે. તમે જઈને તપાસ કરો. જેથી ભરતભાઈ સ્થળ પહોંચ્યા હતા. જ્યાં ભીડ સાથે પોલીસ પણ હાજર હતી. અને દેવાંશને ગરદન તેમજ છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી હત્યા થયાનું ભરતભાઈને માલુમ પડયું હતું. જેમની ફરિયાદના પોલીસે હત્યાનો ગુન્હો દાખલ કર્યો છે.