ગાંધીનગરમાં ભૂમાફિયા બન્યા બેફામ, ખાણ ખનીજ વિભાગની નિષ્ક્રિયતા વચ્ચે ચિલોડા બ્રિજની નજીક જ JCBથી ચાલતું રેત ખનનનું નેટવર્ક
ગાંધીનગર જિલ્લામાં ખાણ ખનિજ વિભાગની નિષ્ક્રિયતા વચ્ચે રેતી ચોરીનું સુવ્યવસ્થિત નેટવર્ક ધમધમી રહ્યું છે. ત્યારે ગાંધીનગરથી ચિંલોડા તરફ જતાં બ્રિજ નીચે JCB મશીનથી રેતી ઉલેચી ટ્રેકટરોમાં ભરીને ચોરી કરવા ભૂ માફિયા સક્રિય થયા છે. આવા સંજોગોમાં નજીકના ભવિષ્યમાં રેત ખનનની પ્રવૃતિથી બ્રિજ તૂટી પડવાની પણ દહેશત સ્થાનિકોમાં વર્તાઈ રહી છે.
ગાંધીનગર જિલ્લામાં સાબરમતી નદીમાં ચાલતી ગેરકાયદેસર રેત ખનનની પ્રવૃતિને અંજામ આપવા ભૂમાફિયાઓ દ્વારા મસ મોટું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે. જિલ્લામાં બેફામ બનેલા ભૂમાફિયા ખાન ખનીજ વિભાગ કે પોલીસનો ડર રાખ્યા વિના બિન્દાસ રીતે નદીમાંથી રેતી ચોરીની સરકારને કરોડો રૂપિયાનું આર્થિક નુકશાન પહોંચાડી રહ્યા છે.
એવામાં ખાણ ખનિજ વિભાગ ધ્વારા કહેવા પૂરતી કામગીરી કરીને ભૂ માફિયાને રેતી ચોરી કરવા પ્રેરીત કરતા હોવાની પણ વ્યાપક બૂમરાણ ઉઠવા પામી છે. ગાંધીનગર જિલ્લામાં ચાલતું રેત ચોરીનું નેટવર્ક એટલું મજબૂત થઈ ચૂક્યું છે કે ભૂ માફિયા ખાણ ખનિજ વિભાગના કર્મચારીઓનાં અપહરણ કરતા પણ અચકાતા નથી.
થોડા મહિના અગાઉ જ વિભાગના કર્મચારી ઉપર હુમલો કરી અપહરણ કર્યાની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. ત્યારે થોડા દિવસ માટે રેત ખનનની પ્રવૃતિ અચાનક બંધ થઈ ગઈ હતી. આ મામલો શાંત પડતાં જ ફરી પાછા ભૂમાફિયા નદીમાંથી રેતી ચોરવા મેદાનમાં આવી ગયા છે.
ગાંધીનગર-ચીલોડા બ્રિજ નીચે સાબરમતી નદીમાં રેત માફિયાઓ દ્વારા 40થી 50 ફૂટ સુધી રેત ખનન કરી દેવામાં આવ્યું છે અને કરોડોની કિંમતની રેતી ચોરી કરી લઈ ભૂસ્તર તંત્રને મસમોટુ આર્થિક નુકશાન પહોંચાડવામાં આવી ચૂક્યું છે. તેમ છતાં તંત્રની આંખ ખૂલતી નથી. બેફામ રીતે રેત ખનન થવાના કારણે સાબરમતી નદી તેની રોનક પણ ગુમાવી ચૂકી છે.
જે પ્રકારે બ્રિજ નીચેના પાયા પાસેથી JCB મશીનથી રેતી ઉલેચવાનું શરૂ કરાયું છે તે જોતાં નજીકના ભવિષ્યમાં કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલો બ્રિજ ધરાશાયી થઈ જાય તો નવાઈ નહીં. નદીમાં ભૂમાફિયાઓ દ્વારા ટ્રેકટરોની આવન જાવન માટે રસ્તો પણ નદીમાં બનાવી દેવામાં આવ્યો છે. વહેલી સવારથી શરૂ થતી રેત ખનન – વહનની ગેરકાયદેસર પ્રવૃતિઓ થી સ્થાનિકો પણ તોબા પોકારી ઉઠ્યા છે.