ગલવાન જેવી અથડામણ થઈ તો ત્રિશૂલ અને વજ્રથી મુકાબલો કરશે ભારતીય જવાનો
લદ્દાખની ગલવાન વેલીમાં ચીની સૈનિકો અને ભારતીય સેનાના જવાનો વચ્ચે હવે અથડામણ થશે તો આપણાં સૈનિક તેમના પર ભારે પડશે. નોયડાની એક કંપનીએ LAC પર ચીની સૈનિકોનો સામનો કરવા માટે ઓછા જીવલેણ પરંતુ ખતરનાક હથિયાર બનાવ્યા છે. આ હથિયાર ચીની સૈનિકોને જડબાતોડ જવાબ આપવામાં સક્ષમ છે.
ગત વર્ષે ચીનની સેનાએ ભારતના સૈનિકો પર ટીઝર ગન, કાંટાળા દંડાથી હુમલા કર્યા હતા. ભારતીય જવાનોએ તે સમયે પણ તેઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. જે બાદથી ચીન અને ભારત વચ્ચે તણાવ ઘણો જ વધી ગયો છે.
નોયડાની એપેસ્ટેરોન પ્રાઈવેટ લિમિટેડ કંપનીને સુરક્ષાદળોએ આ હથિયારનો ઓર્ડર આપ્યો હતો. જે બાદ તેઓએ ભગવાન શિવના ત્રિશૂલની જેમ જ એક હથિયાર બનાવ્યું છે. કંપનીના ચીફ ટેક્નોલોજી ઓફિસર મોહિત કુમારે ANIને જણાવ્યું કે ગલવાન સ્ટેન્ડ ઓફ પછી વજનમાં હલકા અને ઓછા જીવલેણ હથિયાર બનાવવાનું કહેવામાં આવ્યું હતું.
કુમારે જણાવ્યું કે અમે પારંપરિક હથિયારોમાંથી પ્રેરણા લેતા ઓછા જીવલેણ હથિયારો બનાવ્યા છે. જેમાં એક હથિયારનું નામ ‘વજ્ર’ રાખવામાં આવ્યું છે. આ ડંડાવાળા હથિયારમાં લોખંડના તાર લગાડવામાં આવ્યા છે. જેનાથી બુલેટ પ્રુફ ગાડીઓમાં પંચર પણ કરી શકાય છે. આ અથડામણના સમયે સેનાના કામ આવી શકે છે. ‘વજ્ર’થી દુશ્મનને વીજળીનો ઝાટકો પણ આપી શકાય છે. એક બટન દબાવવાથી તેના કાંટાળા તારમાં કરંટ પસાર થાય છે, જેનાથી દુશ્મનના સૈનિક થોડી જ સેકન્ડમાં બેભાન થઈ જશે.
વજ્ર ઉપરાંત કંપનીના જવાનોએ એક ખાસ મોજા પણ બનાવ્યા છે, જેને ‘સેપર’ નામ આપવામાં આવ્યું છે. જેમાં એક પંચ છે, જેનાથી કોઈને મારવાથી કરંટ લાગે છે જે વિરોધીને બેભાન કરવા માટે સક્ષમ છે. ઠંડીમાં પણ આ મોજાનો ઉપયોગ કરી શકાય છે.
આ હથિયારોથી નહીં થાય કોઈનું મોત
મોહિત કુમારે જણાવ્યું કે આ હથિયારના ઉપયોગથી કોઈનું મોત નહીં થાય. તેનાથી દુશ્મન ગંભીર રીતે ઘાયલ પણ નહીં થાય, પરંતુ અથડામણ થાય તે સમયે દુશ્મન થોડી જ વારમાં બેભાન થઈ જશે. હથિયાર માત્ર સુરક્ષાદળો અને લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓને જ મળશે.