ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતના તમામ યાત્રિકો સલામત
ગાંધીનગર:
છેલ્લાં બે દિવસમાં ઉત્તરાખંડમાં પડેલાં ભારે વરસાદના કારણે પુર જેવી સ્થિતિ સર્જાઇ હતી. જેમાં ઉત્તરાખંડની ચારધામની યાત્રાએ ગયેલાં ગુજરાતના પ્રવાસીઓની માહીતી મેળવવા માટે રાજય સરકાર દ્રારા હેલ્પલાઇન શરૂ કરી હતી. રાજય સરકારના કંટ્રોલ રૂમ તથા જિલ્લાના કંટ્રોલ રૂમમાંથી મળેલી માહિતીના અનુસંધાનમાં યાત્રિકોની ખાતરી કરી હતી. એટલું જ નહીં પરંતુ તેમને મળેલી માહિતીના અનુસંધાનમાં યાત્રિકોની ખાતરી હતી. જેમાં તમામ યાત્રિકો સલામત છે અને રસ્તો બ્લોક થવાના કારણે ફસાયેલા યાત્રિકો પણ સલામત સ્થળે પહોંચી ગયા હોવાનું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના નાયબ કલેકટરે જણાવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, યાત્રામાં ગયેલા અંદાજિત 235 પ્રવાસીઓ મુખ્યત્વે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ, ઉત્તરકાશી, ચમોલી, હરિદ્રાર તથા દહેરાદુન જિલ્લામાં હતા. યાત્રિકો તથા ઉત્તરાખંડના કંટ્રોલ રૂમનો સંપર્ક કરતા વરસાદ તથા પુરની પરિસ્થિતિ હળવી થતાં વાહન વ્યવહાર રાબેતા મુજબ થયો છે અને આગામી યાત્રા પણ રાબેતા મુજબ થઇ હોવાની જાણકારી મળી છે.
ઉત્તરાખંડમાં કુદરતી સંકટ અને વરસાદને કારણે ગુજરાતના યાત્રિકો ત્યાં ફસાઇ ગયા હતા. આ ઘટનાના પગલે યાત્રિકોના સગાં-સંબંધીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જેને ધ્યાનમાં લઇને ગુજરાત સરકારે યાત્રિકોની જાણકારી મેળવવા માટે રાજય કંટ્રોલ રૂમ શરૂ કર્યો હતો. તેની સાથોસાથ જે યાત્રિકો ઉત્તરાખંડમાં ફસાઈ ગયા છે તેમને જરૂરી મદદ સહાય માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંગ ધામીજી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી.