ગાંધીનગરગુજરાત

કૃષિ સહાય પેકેજ જાહેર કરાયું, કોને કેટલી સહાય ચુકવાશે ? જાણો…

ગાંધીનગર:

ચાલુ વર્ષે ખરીફ રૂતુમાં સપ્ટેમ્બર 2021માં થયેલા ભારે વરસાદના કારણે ઉદ્દભવેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇને રાજયના જામનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર એમ કુલ ચાર જિલ્લામાં ખેડૂતોના પાકને ખૂબ જ નુકસાન ગયું હતું. આ ચાર જિલ્લાના ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ રાહત પેકેજનો લાભ પાક નુકસાની માટે સંબંધિત જિલ્લા કલેકટરે જાહેર કરેલા નુકસાનગ્રસ્ત ગામોના ખેડૂતોને જ મળવાપાત્ર રહેશે.

ગામોના ખાતેદાર ખેડૂતો કે જેના પાકને 33 ટકા કે તેથી વધુ નુકસાન થયું હોય તેવા ખાતેદાર ખેડૂતોને 13 હજાર લેખે પ્રતિ હેકટર મહત્તમ 2 હેકટરની મર્યાદામાં સહાય ચુકવવાની રહેશે. જે પૈકી SDRFના ધોરણો મુજબ SDRFની જોગવાઇમાંથી બિન પિયત પાક તરીકે વધુમાં વધુ બે હેકટરની મર્યાદમાં 6800 રૂપિયા લેખે પ્રતિ હેટકર મહેસુલ વિભાગની SDRFની ગ્રાન્ટમાંથી ચૂકવવાના રહેશે.

તેમ જ તફાવતની રકમ રૂપિયા 6200 પ્રતિ હેકટર મહત્તમ 2 હેકટરની મર્યાદમાં રાજય બજેટમાંથી ચુકવવાની રહેશે. જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે SDRFના ધોરણો મુજબ જો સહાયની ચુકવવા પાત્ર રકમ 5 હજાર કરતાં ઓછી થતી હોય તો પણ તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછાં 5 હજાર ચુકવવાના રહેશે. જેમાં તફાવતની રકમ રાજયના બજેટમાંથી ચૂકવવાની રહેશે.

દા.ત. કોઇ ખાતેદારનો નુકસાનગ્રસ્ત વિસ્તાર 0.5 હેકટર હોય તો SDRFના ધોરણો અનુસાર 6800 રૂપિયા પ્રતિ હેકટર મુજબ 3400 રૂપિયા મહેસુલ વિભાગના SDRFની ગ્રાન્ટમાંથી મળવાપાત્ર થાય. પરંતુ આવા કિસ્સામાં ખાતેદારને ઓછામાં ઓછા 5 હજાર ચુકવવાના થતા હોવાથી તફાવતની રકમ 1600 રૂપાયા રાજયના બજેટમાંથી ચૂકવવાની રહેશે.

લાભાર્થીની પાત્રતા અને સહાય મેળવવા અરજી
આ કૃષિ રાહત પેકેજનો લાબ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકમાં નમૂનામાં ગામ નમૂના નં.8 –એ, તલાટીનો વાવેતરનો દાખલો, ગામ નમૂના નં. 7-12, આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, આઇએફએસસી કોડ તથા નામ દર્શાવતી બેંક પાસબુક પાનાની નકલ, સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાયે તે અંગેનો અન્ય ખાતેદારોની સહીવાળો ના વાંધા અંગેનો સંમંતિ પત્ર વગેરે સાધનિક વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં 25 ઓકટોબર-2021થી તા.20 નવેમ્બર 2021 સુધીમાં ડીજીટલ ગુજરાત પોર્ટલ પર વીસીઇ/વીએલઆઇ મારફત ઓનલાઇન અરજી કરવાની રહેશે. ખેડૂતોએ અરજી કરવા માટે કોઇ ચુકવણું કરવાનું રહેશે નહીં.

અરજીની તારીખે રેવન્યુ લેન્ડ મુજબ અરજદાર ખાતા ધારક હોવો જોઇએ. ડીજીટલ ગુજરાત પોર્ટલ પર લેન્ડ રેકર્ડ ઇન્ટીગ્રેટ કરવા માટે લેન્ડ રેકર્ડની વિગત મહેસુલ વિભાગે એનઆઇસીને પુરી પાડવાની રહેશે. આ પેકેજ અંતર્ગતની સહાય ખેડાણ હેઠળના ખાતાદીઠ, ( ગામ નમૂના નં. 8/અ દીઠ ) એક લાભાર્થી તરીકે ગણવાની રહશે વગેરે પ્રકારની સૂચનાઓ જારી કરવામાં આવી છે.

કયા જિલ્લાના કેટલાં ગામોનો સમાવેશ કરાયો ?

રાજયના ચાર જિલ્લાઓના કયા ગામમાં અતિવરસાદના કારણે પાકને નુકસાન થયું હતું. તેની યાદી પણ સરકાર દ્રારા જાહેર કરવામાં આવી છે. જેમાં જામનગર જિલ્લાના 320 ગામો, રાજકોટ જિલ્લાના 156, જૂનાગઢ જિલ્લાના 135 તથા પોરબંદર જિલ્લાના 71 ગામડાંઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x