ગુજરાત ભાજપ પ્રદેશ માળખામાં ધરખમ ફેરફારની તૈયારી, લાભપાંચમ પછી જાહેર થવાની શક્યતા
ગુજરાતમાં મંત્રીમંડળના પુનઃગઠન બાદ હવે ભાજપના પ્રદેશ સંગઠનના માળખામાં પણ મોટા ફેરફારોની તૈયારી ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લાભપાંચમ પછી ભાજપ પ્રદેશનું નવું માળખું જાહેર થાય તેવી પ્રબળ શક્યતા છે.
મંત્રીમંડળના વિસ્તરણ પહેલાં જ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ દિલ્હી દોડ્યા હતા, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની બેઠકમાં નવા મંત્રીઓ ઉપરાંત પ્રદેશ સંગઠનના નવા માળખા અંગે પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે. હાઈકમાન્ડે આ ફેરફારો માટે લીલી ઝંડી આપી દીધી છે.
નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ આગામી મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવાના લક્ષ્ય સાથે નવી ટીમને આખરી ઓપ આપી રહ્યા છે. આ કવાયતમાં જૂના જોગીઓના અનુભવ અને યુવાઓને જોડીને પક્ષ માટે ઘસાતા પાયાના કાર્યકરોને સંગઠનમાં સ્થાન આપવાનું નક્કી કરાયું છે. અત્યારે કોને તક મળશે અને કોનું પત્તું કપાશે તેની અટકળો વચ્ચે પ્રદેશ માળખું જાહેર થવાની રાહ જોવાઈ રહી છે.