ગુજરાતમાં શિયાળાના પ્રભુત્વમાં સતત વધારો, ગાંધીનગરમાં ૧૩ ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી
ગાંધીનગર :
ગુજરાતમાં શિયાળાના પ્રભુત્વમાં સતત વધારો થઇ રહ્યો છે. ગાંધીનગરમાં ૧૩ ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં ૧૫.૪ ડિગ્રીએ પારો રહ્યો હતો.
ગત રાત્રિએ અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આજે દિવસ દરમિયાન ૩૨.૪ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આમ, મોડી રાત્રે ઠંડીના ચમકારા-બપોરે ગરમીથી હાલ ડબલ સિઝન અનુભવાઇ રહી છે. આગામી ૩ દિવસ અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાન ૧૬ અને સરેરાશ મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રીની આસપાસ રહેશે. રાજ્યમાંથી અન્યત્ર ડીસા-પાટણમાં ૧૬.૬, અમરેલી-જુનાગઢમાં ૧૬.૭, વડોદરા-ભાવનગરમાં ૧૭.૪, રાજકોટમાં ૧૭.૫, ભૂજમાં ૨૦.૫,સુરતમાં ૨૧, દેવભૂમિ દ્વારકામાં ૨૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના મતે આગામી ૩ દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી. આ પછીના બે દિવસ દરમિયાન તાપમાનમાં ૨-૪ ડિગ્રીનો વધારો થશે. આમ, આગામી એક સપ્તાહ ઠંડીમાં વધારો થવાની સંભાવના નથી