અમિત શાહની ઉપસ્થિતિમાં સોલામાં ઉમિયાધામ મંદિર ખાતે આજથી ત્રિદિવસીય શિલાન્યાસ મહોત્સવનો પ્રારંભ
ભાજપના ધારાસભ્ય અને ઉમિયાધામ શિલાન્યાસ મહોત્સવ સમિતિના પ્રમુખ બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે, કડવા પાટીદાર સમાજની કુળદેવી માતા ઉમિયાને સમર્પિત મંદિર અને અન્ય ઈમારતો 74,000 ચોરસ વર્ગ જમીનમાં બાંધવામાં આવશે. તેના પર 1,500 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં આજે શનિવારથી ત્રણ દિવસીય શિલાન્યાસ સમારોહ શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 ડિસેમ્બરે ડિજિટલ માધ્યમથી શિલાન્યાસ સમારોહમાં હાજરી આપશે.
ઉમિયાધામ મંદિર ઉપરાંત, ઊંઝા ખાતે મુખ્ય મંદિરનું સંચાલન કરતું ટ્રસ્ટ પણ UPSC અને GPSC પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહેલા પાટીદાર યુવાનોને તાલીમ તેમજ હોસ્ટેલની સુવિધા આપવા માટે મંદિરની બાજુમાં 13 માળનું સંકુલ પણ બાંધશે.
બાદમાં સાંજે અમિત શાહ સોલા ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ 4 લેન રેલ્વે ઓવરબ્રિજ અને પાણી વિતરણ સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે.