હરનાઝે 1170 હીરા જડેલો 37 કરોડનો તાજ પહેર્યો
હરનાઝને મિસ યુનિવર્સનો જે તાજ પહેરાવાયો હતો જેમાં ૧૧૭૦ હીરા જડયા હતા. તેની અંદાજિત કિંમત લગભગ ૩૭ કરોડ રૂપિયાની આંકવામાં આવી હતી. સમયાંતરે મિસ યુનિવર્સનો તાજ બદલી જાય છે. ૨૦૧૯માં મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશને નવો તાજ તૈયાર કરાવ્યો હતો. આ તાજ પ્રકૃતિ, શક્તિ, ખૂબસૂરતી, એકતા અને નારિત્વનું પ્રતીક છે.
નેશનલ કોસ્ચ્યુમ
નેશનલ કોસ્ચ્યુમમાં જે તે દેશની ઓળખ મુજબનો પોશાક પહેરવાનો હોય છે. એમાં હરનાઝે મહારાણીનો પોશાક પહેર્યો હતો. રોયલ અંદાજમાં હરનાઝે સ્ટેજ ઉપર વોક કરીને સૌના દિલ જીત્યા હતા. ગુલાબી રંગના એ પોશાકમાં હરનાઝ બેહદ સુંદર લાગતી હતી. એ પોશાકની સાથે હરનાઝે ગુલાબી રંગની રોયલ છત્રી પણ હાથમાં રાખી હતી.
ઈવનિંગ ગાઉન
ઈવનિંગ ગાઉનના રાઉન્ડમાં હરનાઝે ખૂબસૂરત ગોલ્ડન-મરૂન ગાઉન પહેર્યું હતું. હાફ ફ્રન્ટ ઓપન ગાઉન પહેરીને હરનાઝ સંધુએ રેમ્પ પર વોક કર્યું હતું. એ રાઉન્ડમાં પણ તે હરિફ સ્પર્ધકો ઉપર ભારે પડી હતી.
સ્વીમવેર કોસ્ચ્યુમ
સ્વીમવેર કોસ્ચ્યુમમાં હરનાઝ સ્ટેજ ઉપર છવાઈ ગઈ હતી. રેડ રંગના સ્વીમિંગ વેરમાં તેના કોન્ફિડન્સની પ્રશંસા થઈ હતી. છેલ્લાં રાઉન્ડમાં સિલ્વર રંગનો કોસ્ચ્યુમ પહેર્યો હતો. આ તમામ રાઉન્ડમાં તેનો કોન્ફિડન્સ ખૂબ જ કાબિલેદાદ રહ્યો હતો.
મિસ યુનિવર્સ સૌંદર્ય સ્પર્ધા 1952માં શરૂ થઇ
મિસ યુનિવર્સની સૌંદર્ય સ્પર્ધા પહેલી વખત ૨૮મી જૂન, ૧૯૫૨માં યોજાઈ હતી. એ વર્ષથી દર વર્ષે આ સ્પર્ધા યોજાય છે. અમેરિકાનું મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશન આ સ્પર્ધાનું આયોજન કરે છે. આ કાર્યક્રમ ટીવી પર સૌથી જોવાતા કાર્યક્રમો પૈકીનો એક છે. ૧૯૦ દેશોના અંદાજે ૫૦ કરોડ વ્યૂઅર્સ આ કાર્યક્રમ ઓનલાઈન નિહાળે છે. દુનિયામાં જે ચાર સૌથી પ્રતિષ્ઠિત બ્યુટી સ્પર્ધા યોજાય છે એમાંની એક મિસ યુનિવર્સ છે. મિસ યુનિવર્સની સ્પર્ધા તે પહેલાં ય યોજાતી હતી. ૧૯૨૬થી ૧૯૩૫ સુધી મિસ યુનિવર્સ નામે સૌંદર્ય સ્પર્ધા યોજાતી હતી, પરંતુ ગ્રેટ ડિપ્રેશન અને બીજાં વિશ્વયુદ્ધના કારણે એ સ્પર્ધા બંધ થઈ ગઈ હતી. ત્યારબાદ ૧૯૫૨થી ફરીથી નવા રૂપરંગ સાથે સ્પર્ધાનો પ્રારંભ થયો હતો.
મિસ યુનિવર્સ સિવાયની ત્રણ પ્રતિષ્ઠિત સૌંદર્ય સ્પર્ધા
મિસ વર્લ્ડ નામથી સોંદર્ય સ્પર્ધાનો પ્રારંભ ૧૯૫૧માં થયો હતો. બ્રિટનમાં એની શરૂઆત થઈ હતી. એરિક મોર્લે નામના ટીવી હોસ્ટે તેની શરૂઆત કરી હતી. એરિક તેના ચેરમેન હતા અને છેક ૨૦૦૦ના વર્ષ સુધી આ સ્પર્ધાનું આયોજન તેણે કર્યું હતું. ત્યાર બાદ હવે તેમની પત્ની જુલિયા મોર્લે આ સંસ્થાના ચેરપર્સન છે.
મિસ વર્લ્ડ સૌથી જૂની ઈન્ટરનેશનલ બ્યુટી સ્પર્ધા છે. મિસ વર્લ્ડ શરૂ થઈ તેના બીજા જ વર્ષે મિસ યુનિવર્સની સૌંદર્ય સ્પર્ધા શરૂ થઈ હતી. એ પછી મિસ ઈન્ટરનેશનલ સૌંદર્ય સ્પર્ધાનો પ્રારંભ ૧૯૬૦માં થયો હતો. એ જાપાનમાં શરૂ થયો હતો અને એ સંસ્થાનું હેડક્વાર્ટર ટોક્યોમાં છે. બિગ ફોરની છેલ્લી સૌંદર્ય સ્પર્ધાનું નામ છે – મિસ અર્થ. તેની શરૂઆત ૨૦૦૧થી થઈ હતી. ફિલિપાઈન્સના મનિલામાં તેનું હેડક્વાર્ટર છે. દુનિયાભરની સુંદરીઓ આ ચાર પ્રતિષ્ઠિત સ્પર્ધામાં વિજેતા બનવા માટે મોટી સંખ્યામાં ભાગ લે છે.
સુષ્મિતા સેન : મિસ યુનિવર્સ બનનારી પ્રથમ ભારતીય સુંદરી
સુષ્મિતા સેને ૧૯૯૪માં મિસ યુનિવર્સનો તાજ મેળવ્યો હતો. સુષ્મિતા ૧૮ વર્ષની વયે મિસ ઈન્ડિયા યુનિવર્સ બની હતી અને ત્યારબાદ મિસ યુનિવર્સની સ્પર્ધામાં ભાગ લીધો હતો. ૧૯૭૫માં જન્મેલી સુષ્મિતા સેન આ ટાઈટલ મેળવનારી પ્રથમ ભારતીય સુંદરી છે. ૧૯૫૨થી આ સૌંદર્ય સ્પર્ધા યોજાય છે. છેક ૧૯૯૪માં પહેલી વખત ભારતીય સુંદરીએ એ તાજ હાંસલ કર્યો હતો.
લારા દત્તા : મિસ યુનિવર્સ-2000
સુષ્મિતા સેન પછી મિસ યુનિવર્સનું ટાઈટલ અંકે કરનારી લારા દત્તા બીજી ભારતીય સુંદરી હતી. લારા દત્તા ૧૯૯૭માં મિસ ઈન્ટરકોન્ટિનન્ટમાં વિજેતા બની હતી. એ પછી તેણે વિશ્વભરની સુંદરીઓને પાછળ પાડીને ૨૦૦૦ના વર્ષમાં મિસ યુનિવર્સનું ટાઈટલ મેળવ્યું હતું. લારા દત્તાએ એ પછી અંદાઝ ફિલ્મથી બોલિવૂડમાં કારકિર્દી આરંભી હતી.