આ છે પેપર લીકના કૌભાંડીઓ, જેમણે 88 હજાર ઉમેદવારોનું સપનુ રગદોળ્યું
હેડ ક્લાર્ક પેપર લીક (head clerk exam) થયાના છ દિવસ બાદ આખરે ગુજરાત સરકારે (gujarat government) પેપર ફૂટ્યાનો સ્વીકાર કર્યો છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં દસ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પેપર લીક કેસ (paper leak) માં દાખલારૂપ સજા આપવાની ગૃહ રાજ્યંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી છે. ત્યારે આખરે પેપર લીકના કૌભાંડીઓના નામ સામે આવી ગયા છે. તમામ 6 આરોપીઓને પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા છે. પોલીસ જાપ્તામાં તેમને એસપીની ઓફિસમાં લાવવામા આવ્યા છે. લાખો રૂપિયા ખવડાવીને પેપર લીક (paper leak gujarat) કરનારા આ કૌભાંડીઓએ 88 હજાર યુવાનોના સપના રગદોળ્યા છે, જેઓ સરકારી નોકરી જોવાના ખ્વાબ જોતા હતા, અને તેના માટે અથાગ મહેનત કરી હતી. આ કૌભાંડીઓએ તેમની મહેનત પર પાણી ફેરવ્યુ છે.
પેપર લીકના કૌભાંડીઓના નામ
- ધ્રુવ ભરતભાઈ બારોટ, બેરણા
- મહેશ કમલેશભાઈ પટેલ, ન્યૂ રાણીપ, અમદાવાદ
- ચિંતન પ્રવીણભાઈ પટેલ, પ્રાંતિજ
- કુલદીપ નલીનભાઈ પટેલ, કાણીયોલ, હિંમતનગર
- દર્શન કિરીટભાઈ વ્યાસ, મહાવીરનગર, હિંમતનગર
- સુરેશ પટેલ
પ્રાતિજ પોલીસ સ્ટેશનમાં નીચેની IPC કલમ હેઠળ નોંધાઈ છે ફરિયાદ
- 406 – ગુનાહિત વિશ્વાસઘાત
- 409 – એજન્ટ તરીકે ગુનાહિત વિશ્વાસઘાત
- 420 – ઠગાઈ કરવા બદદાનતથી મિલકત આપી દેવા લલચાવવા
- 120 B – ગુનાહિત કાવતરાની શિક્ષા
પેપર લીકનો ઘટનાક્રમ
પેપરલીક મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ છે. હેડ કલાર્કની પરીક્ષાના ભાગ-1 ની B સિરિઝનું પેપર લીક થયું હતું. FIR માં જયેશ પટેલ મુખ્ય આરોપી છે. જયેશ પટેલે ઉંછાના રહેવાસી જશવંત પટેલ અને તેના પુત્ર દેવલ પટેલને પેપર આપ્યું હતું. દેવલ પટેલે પોતાના સસરા મહેન્દ્ર પટેલના ઘરે 5 પરીક્ષાર્થીઓને લઈ જઈ પેપર આપ્યું હતું. ધ્રુવ બારોટ સહિત પાંચેય પરિક્ષાર્થીઓને મહેન્દ્ર પટેલ અને દેવલે પુસ્તકો આપી પેપર સોલ્વ કરાવ્યું હતું. ચિંતન પટેલે અન્ય 6 પરિક્ષાર્થીઓને દેવલના પિતા જશવંત પટેલના ખેતરમાં આવેલા ઘરે પેપર સોલ્વ કરાવ્યું હતું. તે પહેલા તમામ પરિક્ષાર્થીઓના મોબાઈલ વિનય હોટલ પ્રાંતિજ ખાતે સ્વીચ ઓફ કરાવ્યા હતા. 12 ડિસેમ્બરે સવારે તમામ પરીક્ષાર્થીઓને અલગ અલગ વાહનોમાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડ્યા હતા. પરીક્ષા બાદ તમામને મોબાઈલ પરત અપાયા હતા. જયેશ પટેલે પેપરની એક નકલ દર્શન વ્યાસને આપી હતી. દર્શને આ નકલ કુલદીપને આપી હતી. કુલદીપે 5 વ્યક્તિને તેના ઘરે પેપર સોલ્વ કરાવ્યું હતું. કુલદીપ પટેલે સુરેશ પટેલ સાથે અન્ય પરિક્ષાર્થીઓને વીસનગરના બાસણા ગામે મોકલ્યા હતા.
પ્રાંતિજમાં મોડી રાત્રે ફરિયાદ નોંધાઈ
પેપર લીક મામલે મોડી રાત્રે પ્રાંતિજમાં FIR દાખલ કરવામા આવી હતી. પેપર લીકમાં પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે સરકાર તરફે આઈપીસી કલમ 406, 409, 420, 120 મુજબ ગુનો દાખલ કરાયો છે. FIR માં 10 લોકો આરોપી તરીકે પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાંથી 10 માંથી 6 વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે. આ કેસમાં હજી 4 આરોપીની શોધખોળ ચાલુ છે. FIR માં વધુ નામો ખુલે તો તેમને પણ આરોપી બનાવવાનો ઉલ્લેખ કરાયો છે.
પરીક્ષાર્થીઓનો પ્રશ્ન, મોટા માથાના નામ પણ આપો
અન્ય ઉમેદવારોની માંગ છે કે, આ લોકોના ચહેરા સામે લાવવા જોઈએ, અને તેમની આકરી સજા થવી જોઈએ. સાથે જ પરીક્ષાર્થીઓને મોટા માથાઓની સંડોવણી હોવાનું પણ સ્પષ્ટપણે જણાય છે. તેમનુ કહેવુ છે કે, આટલા મોટાપાયે પેપર લીક થયુ હોય તો સરકારમાંથી પણ કોઈને સંડોવણી જરૂર હોઈ શકે છે. જેમના નામ પણ બહાર આવવા જોઈએ અને તેમને સજા કરવી જોઈએ. માત્ર વિદ્યાર્થીઓ દ્વારા જ પેપર લીક થયુ હોય તે શક્ય નથી.
હાલ તો ઉમેદવારોને મૂંઝવતો પ્રશ્ન એ છે કે, પેપર લીક થયુ છે તો આગળ શું થશે. શું પરીક્ષા રદ થશે કે પછી પરીક્ષા ફરીથી લેવી જોઈએ. વારંવાર ગુજરાતમાં પેપર લીકના કૌભાંડો બની રહ્યા છે. જેમાં જવાબદાર અધિકારીઓ મામલે સરકાર હંમેશા ઢાંકપિછોડો કરે છે. આખરે ક્યારે આ મોટા માથા સામે આવશે તેવુ ઉમેદવારો ઈચ્છી રહ્યાં છે.