ગુજરાત

ગુજરાતમાં સરકારી પરીક્ષાનું પેપર ફોડનારાઓ સામે ગુજસીટોક લાગુ કરાશે, પરીક્ષા રદ થશે : હર્ષ સંઘવી

ગૌણ સેવા પસંદગી મંડળની રવિવારે લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાનું હવે ગુજરાત સરકારે સ્વીકાર્યું છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ પેપર લીક કેસમાં સંડોવાયેલા 11 સામે હાલમાં પ્રાંતિજમાં ગુનો નોંધાયો છે. આ કાંડમાં જેટલા સંડોવાયેલા હશે તે તમામ સામે ગુજસીટોકના કાયદા હેઠળની કલમો લગાવાશે. સરકાર વતી સંઘવીએ જણાવ્યું હતું કે આ કેસના સૂત્રધાર તરીકે સરકારમાં રહેલી કે પરીક્ષા લેનારી જે કોઇ વ્યક્તિ સંકળાયેલી હશે તેમની સામે પણ તપાસ કરાશે. સરકાર આ પરીક્ષા રદ કરવા મામલે ટૂંક સમયમાં બેઠક બોલાવી જાહેરાત કરશે, એમ પણ તેમણે જણાવ્યું હતું. આ પેપર લીક કાંડમાં પ્રશ્નપત્ર પ્રેસમાંથી બહાર લાવી આપનારી વ્યક્તિ સરકારી છે અને તે હજુ પોલીસની પહોંચથી બહાર છે.

આ કેસમાં પોલીસે છ વ્યક્તિની ધરપકડ કરી છે અને અત્યારસુધીમાં 11 લોકો સામે મજબૂત પુરાવા હાથ લાગ્યા છે. આ મામલે સંઘવીએ કહ્યું હતું કે આખા દેશમાં ક્યારેય પેપર લીક કરવાના ષડયંત્રમાં સંકળાયેલા લોકો સામે ક્યારેય ન લેવાયેલાં પગલાં આગામી દિવસોમાં આ કેસમાં લેવા જઇ રહ્યા છીએ. અમારો પ્રયાસ છે કે આપણી પાસેના સૌથી મજબૂત કાયદો- ગુજસીટોકનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ એની ચર્ચા ચાલુ છે. ટૂંક સમયમાં આ કેસમાં આ કલમો ઉમેરાશે. ભવિષ્યમાં કોઇ આવી હિંમત ન કરે એવો દાખલો બેસાડવા અમે આમ કરી રહ્યા છીએ.

ગૌણ સેવા પસંદગી સમિતિના અધ્યક્ષ અસિત વોરા સામે આ કેસને બહાર લાવનારા AAPના નેતા યુવરાજ જાડેજા શંકાની સોઈ તાકી રહ્યા છે. હવે ગુજરાત પોલીસ અસિત વોરાની પણ ઊલટતપાસ કરવા જઇ રહી છે. આ મામલે સંઘવીએ કહ્યું હતું કે અમારી તપાસ 360 ડીગ્રીની રહેશે, એટલે કે આમાં પરીક્ષા સાથે સંકળાયેલા તમામ લોકો વિરુદ્ધ તપાસ કરાશે, તેમાં જો પોલીસ હોય, પેપર લઇ જનારા, પેપર સેટર, પેપર છાપનારા કે પરીક્ષા લેનારી સંસ્થાની કોઇ વ્યક્તિ હોય તેની વિરુદ્ધ અમારી તપાસ ચાલુ છે, કોઈ શંકાના દાયરાથી બહાર નથી.

હાલની કલમો હેઠળ 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે
તમામ આરોપીઓ વિરુદ્ધ હાલમાં વિશ્વાસઘાતની આઇપીસી 406,409 અને 420 અને 120-બી ધારાઓ લગાવાઇ છે, જેમાં આઇપીસી 406માં મહત્તમ 3 વર્ષ આઇપીસી 409માં મહત્તમ 10 વર્ષથી આજીવન કારાવાસ અને દંડ તથા આઇપીસી 420માં મહત્તમ 7 વર્ષ અને દંડની જોગવાઇ છે.

ગુજસીટોકમાં ફાંસીની સજાની પણ જોગવાઈ છે
ગુજરાત સરકારે બે વર્ષ પહેલાં 1 ડિસેમ્બર, 2019થી આ કાયદો લાગુ કર્યો છે. આ કાયદાની કલમો હેઠળ આતંકવાદી કૃત્ય ઉપરાંત સંગઠિત ગુનાખોરી સહિતના ગંભીર ગુનામાં આ કાયદાની કલમો લાગુ કરી શકાય છે. ગુનો નોંધતાં પહેલાં આઇજીપી કે પોલીસ કમિશનરની પૂર્વમંજૂરી લેવી પડે છે. એસીપી કે ડીવાયએસપી કક્ષાના અધિકારી તપાસ કરે છે અને સાબિત થાય તો ગુનેગારને પાંચ વર્ષથી માંડીને આજીવન કેદ તથા પાંચ લાખથી ઓછો નહીં તેવો દંડ અને રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં મૃત્યુદંડની સજાની જોગવાઇ છે.

અસિત વોરાને કાયમી નહીં, તપાસ ચાલે ત્યાં સુધી હટાવો
પેપર લીક કાંડનો પર્દાફાશ કરનાર AAPના નેતા યુવરાજ જાડેજાએ એકાએક રંગ બદલતાં કહ્યું હતું કે આસિત વોરાને કાયમી રીતે હટાવી દેવામાં આવે એવું અમે ઇચ્છતા નથી, પરંતુ તપાસ ચાલુ છે ત્યાં સુધી અન્ય કોઈને ચાર્જમાં મુકાય. હર્ષ સંઘવીને ઉદ્દેશીને કહ્યું હતું કે અમારી પાસેથી પુરાવા લો અને મુજબ તપાસ કરો.

આરોપી મહેન્દ્ર પટેલ સરપંચપદનો ઉમેદવાર

  • જયેશભાઈ ઇશ્વરભાઈ પટેલ
  • જશવંતભાઈ હરગોવનભાઈ પટેલ
  • દેવલ જશવંતભાઈ પટેલ
  • મહેશકુમાર કમલેશભા​​​​​ઈ પટેલ
  • ચિંતન પ્રવીણભાઈ પટેલ
  • કુલદીપકુમાર નલિનભાઇ પટેલ
  • સતીષ ઉર્ફે હેપ્પી પટેલ
  • સુરેશભાઇ રમણભાઈ પટેલ
  • મહેન્દ્રભાઇ એસ. પટેલ
  • દર્શન કિરીટકુમાર વ્યાસ
  • ધ્રુવ ભરતભાઇ બારોટ
  • મહેન્દ્ર પટેલ સરપંચની ચૂંટણી લડી રહ્યા છે, તેમણે પાંચ વિદ્યાર્થીને ઘરે બેસાડી પેપર સોલ્વ કરાવ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x