સુરતમાં હેડ ક્લાર્ક પેપર લીક મામલે યૂથ કોંગ્રેસે કલેકટરને આવેદન પત્ર આપ્યું, ફરી પરીક્ષા યોજવા માંગ
યુથ કોંગ્રેસ દવારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે હાલમાં ગૌણ સેવાના હેડ કલાર્કની જગ્યા માટે પરીક્ષા થનાર હતી,પરંતુ ભાજપ શાસનના અણઘડ વહીવટના કારણે આ પેપર લીક થઇ ગયું. જેના કારણે ઉમેદવારો ઘણા હતાશ થયા છે.ઘણા સમયથી ભરતીની પ્રક્રિયામાં કોઇને કોઇ અડચણ આવતા પ્રક્રિયામાં અવરોધ આવી ગયો હતો અને હવે પેપર લીક થતા પ્રક્રિયા ગુંચવાડામાં ફસાઇ ગઇ હોય ઉમેદવારોની ઘણા સમયની મહેનત નિરાશામાં છવાઇ ગઇ છે.
વધુમાં જણાવ્યું હતું કે પેપર લીક કાંડમાં હજુ 4 લોકો ફરાર છે જયારે આ પ્રકરણમાં કાકા-ભત્રીજા ભૂગર્ભમાં હોવાનું જાણવા મળ્યું છે.આ પેપર આશરે 4 લાખમાં ખરીદી અને આશરે 10 લાખમાં વેચાણ થવાની પણ ચર્ચા છે.
ઉમેદવારોની મહેનત અને લગનને જોતા આ પરીક્ષા રદ્દ થવી જોઇએ અને નવા પેપરો સાથે સંપૂર્ણ કડક દેખરેખ હેઠળ પરીક્ષા થવી જોઇએ જેથી ઉમેદવારોનું ભવિષ્ય ના બગડે તેવી માંગણી કરવાની સાથે એવી ચીમકી પણ ઉચ્ચારી છે કે આવનારા દિવસોમાં ઉપરોક્ત બાબતે કોઇ નકકર પગલા ભરવામાં નહિ આવે તો સુરત યુથ કોંગ્રેસ દ્વારા આંદોલન કરી ઉગ્ર દેખાવો કરવામાં આવશે.