રાજ્યના 8 શહેરોમાં 31 ડિસેમ્બર સુધી રાત્રિ કરફ્યુ લંબાવાયો
ગુજરાતના(Gujarat) આઠ શહેરોમાં 31 ડિસેમ્બર સુધી રાત્રિ કરફ્યુ(Night Curfew) લંબાવવામાં આવ્યો છે. જેમાં કોઇ રાહત આપવામાં આવી નથી તેમજ રાત્રે 1 વાગ્યેથી 5 વાગે સુધી રાત્રિ કરફ્યુ યથાવત રહેશે. જો કે રાજ્યમાં વધી રહેલા કોરોના(Corona) અને નવા વેરીએન્ટ ઓમિક્રૉનના લીધે સરકારે રાત્રિ કરફ્યુમાં હાલ કોઇ છૂટછાટ આપી નથી. તેમજ રાજ્યના 10 થી 13 જાન્યુઆરી દરમ્યાન ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022નું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાની સાથે નવા વેરીએન્ટ ઓમિક્રૉનનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. રાજ્યમાં ઓમિક્રૉનના વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં બે અને રાજકોટમાં 1 દર્દી ઓમિક્રૉન સંક્રમિત થયા છે. આ તમામ દર્દીઓ તાન્ઝાનિયાથી આવ્યા છે.
રાજકોટમાં રવિવારે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનો પ્રથમ કેસ નોંધાયો છે. ઓમિક્રોન વેરિઅન્ટનો રાજકોટની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો તાન્ઝાનિયાનો યુવક ઓમિક્રોન સંક્રમિત થયો છે. વિદ્યાર્થીને પંડિત દીનદયાલ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો છે.
રાજકોટ કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે જિલ્લામાં ઓમિક્રોનનો આ પ્રથમ કેસ છે. કલેક્ટરે જણાવ્યું કે વિદ્યાર્થીની સારવાર ચાલી રહી છે. ગુજરાતમાં નવા કેસ મળી આવતા, ભારતમાં ઓમિક્રોનના કુલ કેસ વધીને 152 થઈ ગયા છે.