સુરતમાં GST મુદ્દે કાપડ વેપારીઓને સરકાર પર વિશ્વાસ, આંદોલન સંપૂર્ણ નિષ્ક્રિય
ચાલુ ડિસેમ્બર માસમાં જીએસટી કાઉન્સિલની મિટીંગ ક્યારે મળવાની છે તેની હજુ સુધી તારીખ જાહેર થઇ નથી છતાં ટેક્ષટાઇલ સ્ટેક હોલ્ડર્સને એ વાત નિશ્ચિત જણાય રહી છે કે સુરતના સાંસદ દર્શના જરદોષ અને સીઆર પાટીલની દરમિયાનગીરી પછી ટેક્ષટાઇલ ઉદ્યોગમાં જીએસટીના દર વધારવાનું નોટિફિકેશન પરત ખેંચાશે જ .
મિડીયા દ્વારા ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો , વીવીંગ અગ્રણીઓ અને વેપારી આગેવાનોને આંદોલન અંગે પૂછવામાં આવતા તેમણે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે નાણામંત્રી સાથેની મુલાકાત બાદ ટેક્ષટાઇલ ઉદ્યોગને જીએસટીના દર વધારા અંગેના નોટિફિકેશનમાંથી મુક્તિ મળી જ જવાની છે . હકીકતમાં ટેક્ષટાઇલ ઉદ્યોગના તમામ સ્ટેક હોલ્ડર્સને એ વાતનો ડર છે કે જો હવે કોઇપણ પ્રકારના દેખાવો સરકાર સામે કરવામાં આવશે તો સરકારની નારાજગી વહોરી લેવી પડશે.
તેના કારણે તા .1 લી જાન્યુઆરીથી નવા દર પ્રમાણે જીએસટી ચૂકવવો પડી શકે પરીણામે સરકારની નારાજગી વહોરી લેવા કરતા તો જીએસટી કાઉન્સિલમાં વિધિવત નિર્ણયની જાહેરાત થાય એ પછી પરિસ્થિતિનો તાગ મેળવીને આગળની રણનીતિ નક્કી કરવાનો અભિગમ ટેક્ષટાઇલ સ્ટેક હોલ્ડર્સે અખત્યાર કર્યો હોવાનું જણાય રહ્યું છે .
આમ, હવે સરકાર અને સાંસદો પર ભરોસો વ્યક્ત કરીને સુરતના ટેક્સ્ટાઇલ ઉધોગ સાથે જોડાયેલા અગ્રણીઓ અને વેપારીઓ હવે જીએસટી મુદ્દે કશું પણ બોલવા પણ તૈયાર નથી. તેમનું માનીએ તો તેમની રજૂઆતોનો હકારાત્મક પરિણામ આવવાનું જ છે, તો પછી હવે જીએસટી મુદ્દે વિરોધમાં બોલવાનો કોઈ અર્થ નથી દેખાઈ રહ્યો. જોવાનું એ રહેશે કે આગામી સમયમાં જાહેર થનારા બજેટ અને જીએસટી કાઉન્સિલની બેઠક માં વેપારીઓની આ આશા કેટલી સાચી સાબિત થાય છે ?