પેપર લીક મુદ્દે અસિત વોરાને CM ભૂપેન્દ્ર પટેલનું તેડું, બોર્ડના અધ્યક્ષ પદેથી આપશે રાજીનામું – સૂત્ર
ગાંધીનગર :
ગાંધીનગરમાં પેપર લીક મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલ સાથે અસિત વોરાની મુલાકાત ચાલી રહી છે. આશંકા સેવવામાં આવી રહી છે કે આ બાદ અસિત વોરાનું મુશ્કેલી વધી શકે છે. એક તરફ સમગ્ર કાંડની તપાસ ચાલી રહી છે. તો બીજી તરફ અસિત વોરાને મુખ્યમંત્રીનું તેડું આવ્યું છે. CM સાથે મુલાકાત માટે સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા છે અસિત વોરા. તો સુત્રો નું કહેવું છે કે આ બાદ બોર્ડના અધ્યક્ષ પદેથી અસિત વોરા રાજીનામુ આપી શકે છે.
જણાવી દઈએ કે પેપરકાંડમાં અસિત વોરાની ભૂમિકા પર અનેક સવાલો ઉઠ્યા છે. ત્યારે પ્રિન્ટિંગ પ્રેસના માલિક મુદ્રેશ પુરોહિત સાથે સંબંધોને લઇને પણ વિવાદમાં અસિત વોરાનું નામ ચગ્યું છે. ત્યારે અસિત વોરા સામે કાર્યવાહી માટે વિપક્ષનું સરકાર પર દબાણ પણ જોવા મળી રહ્યું છે. બીજી તરફ અસિત વોરા સામે કાર્યવાહીની કોંગ્રેસ અને AAPની માગ પણ છે.
હેડ ક્લાર્કની ભરતી માટેનું પેપર લીક થવાના કારણે 88 હજાર ઉમેદવારોના સ્વપ્ન પર પાણી ફરી વળ્યું છે. ત્યારે પેપર લીક થવાના પ્રકરણમાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા શંકાના ઘેરામાં આવી ગયા છે. અસિત વોરાની ગુનાઈત બેદરકારી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસને તેના પુરાવા પણ મળ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
સમગ્ર પ્રકરણમાં અસિત વોરા અને પકડાયેલા આરોપીઓ વચ્ચે કોઈ સાંઠગાંઠ છે કે નહીં તેના પર પોલીસ અને સરકાર નજર રાખી રહી છે. આરોપીઓ સાથે વોરાની મીલિભગત હોવાના નક્કર પુરાવા મળશે તો કાયદાકીય પગલાં લેવાઈ શકે છે. પોલીસ સૂત્રો પ્રમાણે, અસિત વોરાની ગુનાઈત બેદરકારીના પુરાવા પોલીસને મળ્યા છે. આ અંગે તપાસ ચાલી રહી છે. પોલીસ અસિત વોરાની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે.