પેપરલીક કાંડમાં જવાબદાર અસિત વોરાનું રાજીનામું માંગી લેવાયું, સાંજ સુધીમાં થઈ જશે જાહેરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી પરીક્ષાના પેપર કાંડમાં મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની માંગણી ઉગ્ર બનતા અંતે મુખ્યમંત્રીએ અસિત વોરાનું રાજીનામું માંગી લીધુ હોવાનું જાણવા મળેલ છે. જે અંગેની જાહેરાત આજે સાંજ સુધીમાં થાય તેવી શક્યતાઓ છે. વોરાની સાથે પેપરલીક કાંડમાં જવાબદાર અન્ય લોકો સામે પણ કડક પગલા ભરવા મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી દીધી છે. આ સાથે જ સોશિયલ મીડિયામાં પણ #Resign_Asitvora નામથી અભિયાન પણ શરૂ થયું છે.
દબાણ બાદ કાલે જ સીએમએ વોરાને બોલાવી લીધા હતા
ગૌણ સેવા પસંદગી મંડળના પેપરલીક કાંડમાં આમ આદમી પાર્ટી અને વિરોધપક્ષ કોંગ્રેસ દ્વારા અધ્યક્ષ અસિત વોરા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં વોરાના રાજીનામાની માંગણી સામે આપનું આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે. જે સંદર્ભમાં ગઈકાલે મુખ્યમંત્રીએ અસિત વોરાને બોલાવી પેપરલીક કાંડ અંગે નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવા જણાવ્યું હતું. કારણ કે પેપરલીક કાંડમાં પોલીસ તપાસ બાદ મંડળના અધ્યક્ષ અને સૂર્યા પ્રિન્ટિંગ પ્રેસના માલિક પણ શંકાના ઘેરામાં આવી જતા સરકાર પણ હરકતમાં આવી ગઈ હતી અને આ મામલે જવાબદારો સામે પગલા ભરવા સક્રિય થઈ હતી. જેના પગલે મુખ્યમંત્રીએ વોરાનું રાજીનામુ માંગી લીધું હોવાનું જાણવા મળેલ છે.
વોરએ કહ્યું, ‘CM સાથે શુભેચ્છા મુલાકાત જ હતી’
બિન સચિવાલયની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપરલીક થતાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા શંકાના દાયરામાં આવી ગયા હતા. જ્યારથી પેપરલીક થયું ત્યારથી વિરોધપક્ષો અસિત વોરા પર આક્ષેપો કરી રહ્યાં છે. ગઈકાલે સવારના 10 વાગ્યાથી કેબિનેટની બેઠક ચાલી રહી હતી. આ દરમિયાન અસિત વોરા મુખ્યમંત્રી ઓફિસ પહોંચ્યા હતા. કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી અને અસિત વોરા વચ્ચે ખાનગી બેઠક મળી હતી. આ બેઠક પૂર્ણ થઈ ગઈ છે. મુખ્યમંત્રી સાથેની આ મુલાકાતને લઈ અસિત વોરાના રાજીનામાની અટકળો તેજ થઈ ગઈ હતી. જોકે સ્વર્ણિમ સંકુલમાંથી બહાર નિકળેલા અસિત વોરાએ કહ્યું-‘CM સાથે મારી શુભેચ્છા મુલાકાત હતી, પેપર લીક બાબતે કોઈ ચર્ચા કરવામાં આવી ન હતી’ એમ કહીં વોર રવાના થઈ ગયા હતા.
અસિત વોરાના રાજીનામાની માંગ સાથે AAPનો ઉગ્ર વિરોધ
છેલ્લા બે દિવસથી અસિત વોરાના રાજીનામાને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. પેપરલીક કાંડને પગલે કમલમમાં આપ દ્વારા થયેલા વિરોધપ્રદશણ બાદ અસિત વોરાને પદ ઉપરથી હટાવી એમની સામે કાયદેસરના પગલાં ભરવા, યુવાનોને વળતર ચૂકવવામાં આવે એવી માંગ સાથે આમ આદમી પાર્ટીના પ્રભારી ગુલાબસિંગ યાદવ અને મહેશ સવાણી ગઈકાલે આમરણાંત ઉપવાસ પર કલેક્ટર ઓફિસ ખાતે બેસવાના હતા. જોકે પોલીસે તેમની અટકાયત કરી હતી. જે બાદ મોડી રાતે તેઓને મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મોડી રાતે પેપરલીક કૌભાંડ સામે લાવનાર યુવરાજસિંહ પણ પ્રદેશ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. તેઓએ ગુલાબસિંગ અને મહેશ સવાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
કોંગ્રેસના આક્ષેપ,’ગુજરાતમાં પરીક્ષાના પેપર ફૂટવાની ઘટના સામાન્ય’
ગઈકાલે હેડ ક્લાર્ક પરીક્ષા પેપર લિંક કૌભાંડ મામલે વિપક્ષ નેતા સુખરામ રાઠવાની આગેવાનીમાં કોંગ્રેસ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપીને છ મુખ્ય માંગણીઓ સાથે રજૂઆત કરી હતી. વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી જવાની ઘટના સામાન્ય બની રહી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાલમાં લેવાયેલ હેડ કલાર્કની પરીક્ષાનું પેપર ઘોર બેદરકારી અને લાપરવાહીના કારણે ફૂટતા રાજ્યના લાખો શિક્ષિત બેરોજગાર યુવાનો હાલાકી અને અરાજકતાનો ભોગ બન્યા છે. રાજ્યના યુવાનોના સરકારી નોકરીઓ મેળવવાના સપનાઓ રોળાયા છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ભરતી કેલેન્ડર બહાર પાડીને શિક્ષિત યુવાનોને રોજગારીના સપનાઓ દેખાડવામાં આવે છે પરંતુ હકીકતે તેનો અમલ કરવામાં આવતો નથી. ભરતી કેલેન્ડર માત્રને માત્ર ચોપડા પર જ રહી જાય છે.