ગુજરાતમાં વધુ એક પરીક્ષાનું પેપર ફૂટ્યું કે શું? કોંગ્રેસના આક્ષેપથી રાજકીય ભૂકંપ
ગુજરાતમાં પેપર ફૂટવું એક ગૌણ બાબત થઈ ગઈ છે. અત્યાર સુધી 10 એવી ભરતી પરીક્ષાઓ છે જેના પેપર ફુટ્યા છે. હેડક્લાર્ક પેપર લીક કાંડ બાદ સૌરાષ્ટ્ર યુનિ.નું બી કોમ સેમેસ્ટર 3નું પેપર લીક થયું હતું જે બંને પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે રાજ્યમાં વધુ એક પેપર કાંડના આક્ષેપ થઈ રહ્યા છે. આ વખત યુથ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ ઓકટોબર મહિનામાં લેવાયેલી સબ ઓડિટરની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
9મી ઓકટોબરના રોજ ધોળકાની એક સોસાયટીમાં પેપર ફૂટયું હતું: કઠવાડિયા
ગૌણ સેવા પસંદગી મંડળની વધુ એક પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો કોંગ્રેસનો આરોપ કરી રહી છે. 9મી ઓકટોબરના રોજ ધોળકાની એક સોસાયટીમાં ઓકટોબર મહિનામાં યોજવામાં આવેલી સબ ઓડીટરની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. પેપર કાંડ મામલે યુથ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા છે. અને સબ ઓડિટર પેપર લીક કરવામાં રાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદ સોલંકીની સંડોવણી હોવાનો તાલ ઠોકયો છે. વધારેમાં કઠવાડિયાએ કહ્યું છે કે ચાર્જશીટમાં પણ વિનોદ સોલંકીનું નામ સામેલ છે, ભાજપના ચૂંટાયેલા સભ્ય પેપર ફૂટવાની ઘટનામાં સંડોવાયેલા છે તેથી વિનોદ સોલંકી બે મહિનાથી ફરાર છે.
હેડક્લાર્ક પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા કરાઇ રદ્દ
સાબરકાંઠામાં હેડક્લાર્ક પરીક્ષાનું પેપર લીક થવા મામલે પોલીસે અત્યાર સુધીમાં 18થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે પોલીસ વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. પેપરકાંડને લઈને પોલીસ દ્વારા મુખ્ય સૂત્રધારથી લઇ વિદ્યાર્થી સુધી પેપર પહોંચાડનારા તમામ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે પોલીસે દેવલ પટેલની ધરપકડ કરી છે. તેમજ વધુ પ્રાંતિજના અન્ય બે લોકોની ધરપકડનો તખ્તો તૈયાર કર્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાના કાર્યકાળમાં ઘણા પેપર લીક થયા હોવાના આરોપ સાથે અત્યાર ઉમેદવારો સહિત ગુજરાત કોંગ્રેસ અને aap પણ રાજીનામાની માંગ કરી રહ્યું છે. ત્યારે વધુ કે પેપર લીકનો દાવો મંડાતાં સરકારની ભરતી લેવાની સિસ્ટમ પર પણ સવાલો ઉઠી રહ્યા છે.