ગાંધીનગરગુજરાત

ગાંધીનગરના મુખ્ય માર્ગો ઉપરથી પકડાયેલા ઢોરને હવે છોડાશે નહીં, મનપાનો કડક નિર્ણય

રાજયના પાટનગર ગાંધીનગર શહેરમાં રખડતાં ઢોરોનો ત્રાસ વધી રહયો છે ત્યારે કોર્પોરેશન દ્વારા આ પશુઓને પકડવામાં આવે છે પરંતુ મુખ્ય માર્ગો ઉપર રખડતાં પશુઓના કારણે અકસ્માતની ઘટનાઓ વધી છે ત્યારે હવે આ ત્રાસને દુર કરવા માટે કડક નિયમ લાગુ કરાયો છે જે અંતર્ગત શહેરના મુખ્ય એવા ૧ થી ૭ અને ક થી જ સુધીના માર્ગ ઉપર રખડતાં પકડાયેલા પશુઓને પકડીને પાંજરાપોળમાં મોકલી આપવામાં આવશે જેને છોડવામાં આવશે નહીં એટલું જ નહીં આંતરિક માર્ગો ઉપરથી પકડાયેલા પશુઓના દંડમાં એક હજાર રૃપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

ગાંધીનગર શહેરમાં હરીયાળીના કારણે રખડતાં પશુઓની સમસ્યા સતત વધી રહી છે. શહેરની સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં રખડતાં પશુઓ ગાંધીનગરમાં આવતાં હોય છે. જેને લઈને કોર્પોરેશન દ્વારા ઢોરપકડ પાર્ટી પણ બનાવવામાં આવી છે જે પાર્ટી દ્વારા આવા પશુઓને પકડી તેના માલિકો પાસેથી દંડ પણ વસુલવામાં આવી રહયો છે તેમ છતાં શહેરમાં રખડતાં પશુઓનો ત્રાસ દુર થયો નથી. જેને લઈ હવે કોર્પોરેશને આ રખડતાં પશુઓનો ત્રાસ દુર કરવા માટે કડક નિયમો લાદ્યા છે અને આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં તેને મંજુરી પણ આપવામાં આવી છે જે અતર્ગત હવે ગાંધીનગર શહેરમાં મુખ્ય એવા એકથી સાત નંબરના માર્ગ અને ક,ખ, ગ, ઘ, ચ, છ, જ માર્ગ ઉપરથી રખડતાં પશુ પકડાશે તેને છોડવામાં આવશે નહીં અને પાંજરાપોળ મોકલી આપવામાં આવશે. એટલું જ નહીં સેકટરોના આંતરિક માર્ગો ઉપરથી ગાય, ભેંસ અને બળદ જેવા રખડતાં પશુઓ પકડવામાં આવશે તો પ્રથમ વખત એક દિવસનો દંડ વહીવટી સંચાલન ખર્ચ અને ખાધાખોરાકી મળી ચાર હજારનો દંડ વસુલાશે જયારે બીજી વખત આ પશુ પકડાશે તો માલિક પાસેથી સાત હજારનો દંડ વસુલવામાં આવશે. આ જ પ્રકારે અન્ય પશુઓ માટે અલગ અલગ દંડની જોગવાઈ કરવામાં આવી છે. ત્રીજીવાર પશુ પકડવામાં આવશે તો તેને છોડવામાં આવશે નહી ત્યારે કોર્પોરેશનના કડક નિયમો બાદ હવે શહેરમાં રખડતાં પશુઓનો ત્રાસ દુર થાય છે કે નહીં તે જોવું રહયું.

પશુઓને આરએફઆઈડી ટેગ પણ હવે લગાવી દેવાશે

ગાંધીનગરમાં રખડતાં પશુઓનો ત્રાસ દુર કરવા માટે કોર્પોરેશન દ્વારા કડક નિયમો લાદવામાં આવ્યા છે ત્યારે હવે ઢોર પકડ પાર્ટી દ્વારા પકડવામાં આવતાં પશુઓને આરએફઆઈડી ટેગ લગાવવાનું પણ આયોજન કરવામાં આવી રહયું છે. જેથી આ પશુ અગાઉ કયારે પકડાયું હતું અને તેના માલિક કોણ છે તે સહિતની વિગતો કોર્પોરેશનને તુરંત જ મળી જશે. પ્રથમ કે બીજી વખત પકડાયા બાદ ત્રીજી વખત પશુને પાંજરાપોળમાં મોકલી આપવાનું આયોજન છે જે આ ટેગના કારણે કોર્પોરેશનની કામગીરી પણ સરળ બની જશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x