PM Modi આજે મણિપુર અને ત્રિપુરાની મુલાકાત, બંને રાજ્યોને હજારો કરોડ રૂપિયાની આપશે ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે મણિપુર(Manipur) અને ત્રિપુરા(Tripura)ની મુલાકાત લેશે અને બંને રાજ્યોમાં અનેક વિકાસ યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડા પ્રધાન કાર્યાલયે (PM Office)રવિવારે જણાવ્યું હતું કે પીએમ મોદી ઇમ્ફાલમાં રૂ. 4,800 કરોડના 22 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે, જ્યારે અગરતલામાં, વડા પ્રધાન મહારાજા બીર બિક્રમ એરપોર્ટ(Maharaja Bir Bikram Airport)પર નવા સંકલિત ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે અને બે મહત્વપૂર્ણ વિકાસ યોજનાઓનું લોકાર્પણ કરશે.
મણિપુરમાં મોદી રૂ. 1,850 કરોડના મૂલ્યની 13 યોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને રૂ. 2,950 કરોડના નવ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પીવાના પાણીનો પુરવઠો, આરોગ્ય, શહેરી વિકાસ, આવાસ, માહિતી ટેકનોલોજી, કૌશલ્ય વિકાસ અને કળા અને સંસ્કૃતિ સહિતના વિવિધ ક્ષેત્રો સાથે સંબંધિત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કનેક્ટિવિટી સુધારવા માટે દેશભરમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સની જેમ રૂ. 1,700 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવનાર પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો શિલાન્યાસ કરશે.
પીએમ મોદી પીવાના પાણીના પુરવઠા માટેના પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે
પીએમઓએ કહ્યું કે દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાની મોદીની કવાયતના ભાગરૂપે, રાજ્યમાં પીવાના પાણીના પુરવઠા માટેના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે. જેમાં રૂ. 280 કરોડના થોબલ બહુહેતુક પ્રોજેક્ટની વોટર ટ્રાન્સમિશન સિસ્ટમનો સમાવેશ થાય છે. અન્ય એક પ્રોજેક્ટમાં તામેંગલોંગ જિલ્લાના 10 વિસ્તારોના રહેવાસીઓને પીવાનું શુદ્ધ પાણી મળશે અને તેની કિંમત રૂ. 65 કરોડ છે. પીએમ મોદી 51 કરોડ રૂપિયાના ખર્ચે ‘સેનાપતિ જિલ્લા મુખ્યાલય પાણી પુરવઠા યોજના’નું પણ ઉદ્ઘાટન કરશે.
પીએમ મોદી ઈમ્ફાલમાં કેન્સર હોસ્પિટલનો પણ શિલાન્યાસ કરશે
વડાપ્રધાન ઈમ્ફાલમાં રૂ. 160 કરોડના ખર્ચે નિર્માણ થનારી કેન્સર હોસ્પિટલનો શિલાન્યાસ પણ કરશે. તેઓ કિઆમગેઈમાં 200 બેડની કોવિડ હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કરશે. ભારતીય શહેરોને પુનર્જીવિત કરવાના પ્રયાસોના ભાગરૂપે, મોદી ‘ઈમ્ફાલ સ્માર્ટ સિટી મિશન’ હેઠળ અનેક પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે. પીએમઓએ કહ્યું કે મોદી સેન્ટર ફોર ઈન્વેન્શન, ઈનોવેશન, ઈન્ક્યુબેશન એન્ડ ટ્રેનિંગ (CIIIT)નો પણ પાયો નાખશે.
આ પ્રોજેક્ટ રાજ્યમાં જાહેર-ખાનગી ભાગીદારીની સૌથી મોટી પહેલ છે અને માહિતી ટેકનોલોજી ક્ષેત્રને મોટું પ્રોત્સાહન મળશે અને રાજ્યમાં રોજગારીની તકો પણ ઊભી થશે. પીએમઓએ કહ્યું કે મોદી મણિપુરમાં હેન્ડલૂમ ઉદ્યોગને મજબૂત કરવા માટે બે પ્રોજેક્ટનો પાયો નાખશે.