બે દિવસ બાદ રાજ્યમાં ઠંડી વધશે, લઘુત્તમ તાપમાન 5 ડિગ્રીથી વધુ ગગડશે
ગુજરાતમાં (Gujarat) છેલ્લા ઘણા દિવસથી ઠંડીમાં (Cold) લોકો ઠૂંઠવાયા હતા, હવે રાજ્યમાં તાપમાનમાં વધારો થવાથી ઠંડી ઓછી થઈ છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી પ્રમાણે 21થી 23 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ પડશે. જો કે તે પછી ગુજરાતવાસીઓએ ઠંડીનો વધુ એક રાઉન્ડ સહન કરવા તૈયાર રહેવુ પડશે.
ફરી કાતિલ ઠંડી માટે રહેવુ પડશે તૈયાર
ગુજરાતમાં કાતિલ ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થાય તેની સંભાવના છે. આગામી 28 કલાક બાદ લઘુતમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો3 દિવસ સુધી ઘટાડો થતાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ શકે છે. રાજ્યમાં હાલમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો ગુરુવારે 12.3 ડિગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 12.8 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો વધારો થયો હતો. આગામી 3 દિવસ અમદાવાદમાં લઘુતમ તાપમાન 12 ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે.
વાતાવરણ બદલાતા રોગચાળો વધ્યો
એક તરફ રાજ્યમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. બીજી તરફ હવામાનના બદલાવાના કારણે લોકો રોગચાળાની ઝપેટમાં આવી રહ્યા છે. ઘરે ઘરે શરદી ઉધરસના કેસો નોંધાઇ રહ્યા છે. આ વચ્ચે ખરેખર કોરોનાના લક્ષણોને સમજવા પણ લોકો માટે અઘરા થઇ રહ્યા છે. ત્યારે હવે ફરી રાજ્યમાં ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે જેને કારણે લોકો સાથે આરોગ્ય તંત્ર પણ ચિંતામાં મુકાયુ છે.
મહત્વનું છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે 21 જાન્યુઆરીએ મહેસાણા, દ્વારકા, જામનગર, જૂનાગઢ, મોરબી, રાજકોટ અને પોરબંદરમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને રાજ્યના બાકીના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે તેમજ 23 જાન્યુઆરીએ વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર અને સુરતમાં હળવો વરસાદ થઈ શકે છે.