ગાંધીનગરમાં આજે કોરોનાનાં વધુ 874 કેસ નોંધાયા
ગાંધીનગર :
કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે ત્યારે આજે ગાંધીનગરમાં વધુ 874 લોકો કોરોના સંક્રમિત થયા છે. જે પૈકી ગ્રામ્ય વિસ્તારના 327 અને શહેરી વિસ્તારમાં 547 લોકો કોરોનાનો ભોગ બન્યા છે. જ્યારે અત્યાર સુધીમાં શહેરમાં 1600 થી વધુ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. બીજી તરફ કોરોના ટેસ્ટિંગની સંખ્યા પણ 2500 જેટલી કરી દેવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ ધીમે ધીમે સંક્રમણનો આંકડો ઉપર જઈ રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાક ગ્રામ્ય વિસ્તારમાં 327 નાગરિકોના કોરોના રિપૉર્ટ પોઝિટિવ આવ્યા છે. જયારે શહેરી વિસ્તારમાંથી 547 સંક્રમિત દર્દીઓ પૈકી 8 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાત ઊભી થઈ છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારનાં ૩ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે 203 કેસ કોરોના પોઝિટિવ આવ્યા હતા. અને આજે પણ 327 વધુ નવા કોરોનાના કેસો મળી આવતાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણ વધવા લાગ્યું છે. બીજી તરફ ગાંધીનગરમાં કોરોનાની વકરી રહેલી સ્થિતિને કાબુમાં લેવા માટે કોર્પોરેશન તંત્ર દ્વારા ટ્રેકિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ પર ખાસ ભાર મુકીને કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધારીને 2500 જેટલી દૈનિક કરી દેવાઈ છે. ઉપરાંત કોરોના પોઝિટિવ દર્દીઓને ટેલિ મેડિસિન તેમજ જરૂરી માર્ગદર્શન પણ સતત આપવામાં આવી રહ્યું છે.